વાંતડાઉ ચેકપોસ્ટ પર 39 કિલો પોષડોડા ઝડપાયા કચ્છના આરોપી પાસેથી ₹2.24 લાખનો મુદ્દામાલ જપ્ત

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ પોલીસે વાંતડાઉ ભારતમાલા ચેકપોસ્ટ પરથી 39.750 કિલોગ્રામ પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ₹1,19,250 આંકવામાં આવી છે. પોલીસે કચ્છના એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો અનુસાર, રાપર, કચ્છના કાનાજી વજાજી ઝાલા નામના આરોપીને મહિન્દ્રા પીકઅપ ગાડી સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીએ ગાડીમાં ગુપ્ત ખાનું બનાવીને માદક પદાર્થનો આ જથ્થો છુપાવ્યો હતો.પોલીસે ડોડાના જથ્થા ઉપરાંત, આરોપીનો મોબાઈલ ફોન અને મહિન્દ્રા પીકઅપ ગાડી પણ જપ્ત કરી છે. સ્થળ પરથી 40 ખાલી પ્લાસ્ટિકની થેલીઓ પણ મળી આવી હતી. કુલ મળીને ₹2,24,250 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
થરાદના ડીવાયએસપીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વાવ-થરાદ જિલ્લા પોલીસ ડ્રગ્સના મામલે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહી છે. આ નીતિના ભાગરૂપે તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
પોલીસે આરોપી કાનાજી ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી તેના રિમાન્ડની માંગણી કરી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને તેના વેચાણનું નેટવર્ક શું છે તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. ગુજરાત રાજ્યમાં માદક પદાર્થોનો પ્રવેશ રોકવા માટે સઘન વાહન ચેકિંગ ચાલુ રહેશે




