GUJARATKUTCHMUNDRA

દિવાળી બાદ પણ ભેળસેળવાળી મીઠાઈઓનું વેચાણ ચાલુ : હવે ચાયમાં પણ નશાકારક પદાર્થો ! – સરકાર દ્વારા તાત્કાલિક પગલાંની લોક માંગ 

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

 

દિવાળી બાદ પણ ભેળસેળવાળી મીઠાઈઓનું વેચાણ ચાલુ : હવે ચાયમાં પણ નશાકારક પદાર્થો ! – સરકાર દ્વારા તાત્કાલિક પગલાંની લોક માંગ 

મુંદરા, તા. ૨૮ : દિવાળી બાદ તહેવારોની ધમાલ શાંત પડી ગઈ પણ શહેર અને તાલુકાના બજારોમાં લોકોના આરોગ્ય સાથે રમાઈ રહેલો ખેલ હજુ ચાલુ જ છે. સ્થાનિક હોસ્પિટલોમાં છેલ્લા કેટલાક દિવસથી પેટના દુખાવા અને ફૂડ પોઈઝનિંગના કેસનો વધારો થયાનું જાણવા મળી રહ્યું છે. આ સીધેસીધું બતાવે છે કે તહેવારમાં વેચાયેલી મીઠાઈઓમાં નકલી માવા, સિન્થેટિક પનીર અને જોખમી રસાયણોનો બેફામ ઉપયોગ થયો હોઈ શકે. લોકોના જીવને જોખમમાં મૂકનારા આ ‘ધીમા ઝેરના ધંધા’ને તાત્કાલિક રોકવા માટે હવે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગે જાગવું પડશે અને કડક પગલાં લેવા પડશે.

ચિંતાની વાત તો એ છે કે ભેળસેળનો આ દૂષિત ખેલ માત્ર મીઠાઈઓ પૂરતો સીમિત નથી. હવે તો કેટલાક ચાની લારીઓ અને હોટલોમાં પીરસાતી ચામાં પણ નશાકારક કે વ્યસન લગાવનારા શંકાસ્પદ પદાર્થો ભેળવવામાં આવતા હોવાની ગંભીર ચર્ચા ચાલી રહી છે જે યુવા પેઢીને નિશાન બનાવી રહી છે. આ ઉપરાંત બજારમાં બેઠેલા હોટલ અને ધાબાવાળા પણ સ્વાસ્થ્યના નિયમોને નેવે મૂકીને બેફામપણે વાસી અને બગડેલો ખોરાક ગ્રાહકોને પધરાવી દે છે. આટલું જ નહીં ગલી-મહોલ્લામાં ઊભેલા પાણીપુરીવાળાઓ પણ સ્વચ્છતાના ધજાગરા ઉડાવીને ગમે તેવા અયોગ્ય અને દૂષિત પાણીનો ઉપયોગ કરી રહ્યા છે જે રોગચાળાને સીધું આમંત્રણ આપી રહ્યું છે.

ખાદ્ય સુરક્ષાનો ભંગ કરીને કેટલાક વેપારીઓ તો સામાન્ય માણસની થાળીમાં પણ ઝેર પીરસી રહ્યા છે. બજારમાં શાકભાજી અને ફળો વેચનારા કેટલાક વેપારીઓ બગડી ગયેલા અને સડેલા ફળો-શાકભાજીને કેમિકલ છાંટીને કે અન્ય રીતે સજાવીને વેચી રહ્યા છે. આ તમામ – મીઠાઈ, ચા, વાસી ખોરાક, પાણીપુરીનું પાણી અને સડેલા ફળ-શાકભાજીના નમૂનાઓ તાત્કાલિક લઈને તપાસ થવી જોઈએ અને ભેળસેળ કરનારાઓ સામે કાયદાનો ડંડો ઉગામવો જોઈએ.

આ ગંભીર જનઆરોગ્યના મુદ્દે લોકોની માંગ છે કે ગુજરાત સરકારના આદેશથી કચ્છ જિલ્લાના તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ‘સંયુક્ત દરોડા ટાસ્ક ફોર્સ’ (ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, નગરપાલિકા અને પોલીસ)ની રચના કરવામાં આવે જે બજારોમાં સઘન તપાસ કરીને ભેળસેળ કરનારા દુકાનદારો, હોટલો અને લારીવાળાઓ પર કડકમાં કડક દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી કરે એવી લોક માંગ છે.

જાહેર આરોગ્યની સુરક્ષા માટે તંત્રએ સક્રિય થવું પડશે, વેપારીઓએ પ્રામાણિક રહેવું પડશે અને નાગરિકોએ જાગૃત બનવું પડશે તો જ આપણા જીવનમાંથી આ ધીમા ઝેરનું પ્રમાણ ઘટશે અને જાહેર આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહેશે.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!