DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સમક્ષ માવઠાના કારણે નુકસાન ભોગવનાર ખેડૂતો માટે વળતરની માંગ કરી

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સમક્ષ માવઠાના કારણે નુકસાન ભોગવનાર ખેડૂતો માટે વળતરની માંગ કરી

ડેડીયાપાડા – જે ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે તેને માફ કરવામાં આવે: ચૈતર વસાવા

 

તાહિર મેમણ – 28/10/2025 – ડેડીયાપાડા – ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે વળતર અને રાહતની આપાવની માંગણી કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો આજે છીનવાઈ ગયો છે. ડાંગર, કપાસ, મકાઈ, મગફળી જેવા તમામ પાક આજે નાશ થઈ ગયા છે.બાગાયતી પાકોમાં પણ ખૂબ જ નુકસાન થયું છે જેના કારણે જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે તેથી ગુજરાત સરકાર આ ખેડૂતોની વહારે આવે એવી અમે વિનંતી કરીએ છીએ. અમે ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા અમૃત મહોત્સવ, વિકાસ મહોત્સવ જેવા બીજા કાર્યક્રમો પાછળ કરોડો અને અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં પાક બીમા યોજના જે બંધ છે એને ફરીથી ચાલુ કરવામાં આવે. જેટલા ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે એમને માફ કરવામાં આવે. ગુજરાતના 200 જેટલા તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ હજુ વધુ વરસાદ વરસી શકે છે. આ 200 તાલુકાઓમાં મંત્રીમંડળ અધિકારીઓને લઈને સેટેલાઈટ સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરવામાં આવે. વિશેષ વળતર આપવાની જાહેરાત કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ.

 

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પહેલા તબક્કામાં 319 કરોડ અતિવૃષ્ટિના વળતર પેટે આપવાની સરકારે જાહેરાત કરી હતી. બીજા તબક્કામાં 1415 કરોડ આપવાની સરકારે જાહેરાત કરી હતી પરંતુ જે પણ ખેડૂતોએ નુકસાનીના ફોર્મ ભર્યા હતા તેમને આજ દિન સુધી વળતર મળ્યું નથી અને આ 1734 કરોડની જાહેરાત બાદ પણ અમલીકરણ થયું નથી અને ખેડૂત અને 500 કરોડ રૂપિયાની પણ ચુકવણી થઈ નથી.ખેડૂતો જ્યારે મકાઈ, મગફળી બજારમાં લઈને જાય છે ત્યારે તેમનું શોષણ કરવામાં આવે છે. સરકારે 2100 રૂપિયામાં મકાઈની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે, કપાસ માટે 1622 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે પરંતુ જ્યારે ખેડૂત માર્કેટમાં જાય છે ત્યારે વેપારીઓ માત્ર 1700 રૂપિયા મકાઈના ચૂકવીને ખેડૂતો સાથે અન્યાય કરે છે કપાસમાં પણ 1200 રૂપિયા ચૂકવીને અન્યાય કરે છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તમે જે પણ પરિપત્ર બહાર પાડ્યો છે MSPના ભાવે જ CIA ના કેન્દ્રો પર ખરીદી કરવામાં આવે અને તમામ એપીએમસીમાં CIA ના કેન્દ્ર ચાલુ કરવામાં આવે. એપીએમસી માં જ સરકારે જાહેર કરેલા ભાવથી પાકની ખરીદી કરવામાં આવે એવી અમારી માંગણી છે.જો સરકાર અમારી માંગણી મુજબ કામ નહીં કરે તો આવનારા દિવસોમાં અમે તમામ એપીએમસીઓમાં જોઈશું . એપીએમસીમાં અમે પાકની હરાજી કરીશું અને લાયસન્સ વગર જે પણ ખરીદી કરવાની હાટડીઓ ચાલે છે એ આવનારા દિવસોમાં અમે બંધ કરાવીશું.

Back to top button
error: Content is protected !!