નવસારી ખાતે કમોસમી વરસાદથી થયેલ નુકસાનીમાં કોઈપણ ખેડૂત સહાયમાંથી બાકી ન રહે તેવી બન્ને મંત્રીશ્રીઓ સૂચના આપી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી
*દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહાય માટે હાથ લંબાવતા નથી. પરંતુ આ વખતે એક આફત સમાન આ કમોસમી વરસાદએ ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે.- આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ*
*નવસારી જિલ્લામાં તમામ તાલુકાઓ મળી કુલ ૩૫૫ ગામોમાં નોંધપાત્ર નુકસાની: ૧૫,૨૯૫ ખેડૂતો અને ૧૮,૩૦૯ હેક્ટર વિસ્તાર પ્રભાવિત*
નવસારી તા.૨૮. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૫-૧૦-૨૦૨૫ થી તા.૦૧-૧૧-૨૦૨૫ દરમિયાન ગુજરાત રાજયના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે નવસારી જિલ્લા સહિત ઘણા જિલ્લાઓમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોચ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જેને અનુલક્ષીને સ્થાનિક મંત્રીશ્રીઓ દ્વારા પણ જિલ્લાઓમા થયેલા નુક્સાન અને તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાઓ ઉપર જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આજરોજ આ બાબતને અનુલક્ષીને આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ મગનભાઈ પટેલ તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડ્યન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીતના ઉપસ્થિતીમા નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. બેઠકમાં મંત્રીશ્રીઓએ જિલ્લામાં થયેલા નુકશાન, કાપણી કર્યા બાદ ખેતરમા સુકાવેલ પાક, તંત્ર દ્વારા સેટેલાઇટના આધારે અને ત્યાર બાદ સ્થળ ઉપર જઇ કરવામાં આવેલ સર્વે અંગે, તથા નુકસાની અંગે સંકલીત રીપોર્ટ કરવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. બન્ને મંત્રીશ્રીઓએ કોઇ પણ ખેડૂત સહાયમાંથી બાકાત ન રહે તથા સર્વેનો રીપોર્ટ સુયોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી. આદિજાતી મંત્રીશ્રી નરેશભાઇ પટેલે પ્રભાવિત જિલ્લાઓ અંગે સરકારશ્રી દ્વારા નક્કિ કરવામાં આવેલ ધારાધોરણો અંગે જાણકારી આપી, તાપી અને નવસારી જિલ્લાનું નિરિક્ષણ કરતા આ બન્ને જિલ્લામાં વધારે નુકશાન થયુ છે અને કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ડાંગરને ભારે નુકશાન થયુ છે એમ જણાવ્યું હતું.
સર્વેની બાબતમા તેમણે ખાસ જણાવ્યું કે, ફિલ્ડમા સર્વે માટે જતી વખતે ખેડૂતોની સાથે લાગણીસભર વ્યવહાર થાય. તથા આગામી ૩૧મી ઓક્ટોબર સુધી હજી પણ વરસાદની આગાહી છે તો સર્વે કરતી વખતે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહાય માટે હાથ લંબાવતા નથી. પરંતુ આ વખતે એક આફત સમાન આ કમોસમી વરસાદએ ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે આવા સમયે સરકારશ્રી અને વહિવટી તંત્ર ખેડૂતોની પળખે જ છે એમ લાગણી ભર્યો ઉદગાર વ્યક્ત કર્યો હતો. બેઠકમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ કમોસમી વરસાદમાં થયેલા નુકસાનના સર્વે સહિત સહાય વિતરણ તથા સમગ્ર વર્ષ દરમિયાન બાગાયત અને ખેતીપાકોમા કમોસમથી થતા નુકશાન અંગે મંત્રીશ્રીઓને અવગત કર્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરાએ જિલ્લાના ખેતી પાકો અને બાગાયતી પાકોમાં થયેલ નુકસાનની પ્રાથમીક આંકડાકિય માહિતી આપી હતી. જે અનુસાર સમગ્ર નવસારી જિલ્લામાં તમામ તાલુકાઓ મળી કુલ-૩૫૫ ગામોમાં નોંધપાત્ર નૂક્શાની જોવા મળી છે. જેમાં ૧૫,૨૯૫ ખેડુતોને જિલ્લાના કુલ વાવેતર પૈકિ ૧૮,૩૦૯ હેક્ટર વિસ્તારમા નુકશાની નોંધાઇ છે. નોંધનિય છે કે, જિલ્લામાં ખાસ કરીને મુખ્ય ડાંગર પાકને વધુ નુકસાન થયુ છે અને શાકભાજી પાકને પણ વધતા ઓછા પ્રમાણમાં નુકશાન થયુ છે. જિલ્લાનો વાવેતર વિસ્તાર કુલ-૪૫,૮૨૯ હેક્ટર છે, જેમાંથી ૧૬,૮૪૧ હેકટર વાવેતર વિસ્તાર કાપણી પૂર્ણ થયેલો વિસ્તાર અને ૨૮,૭૭૯ વાવેતર વિસ્તાર કાપણી બાકી હોય તેવો વિસ્તાર છે એમ જાણકારી આપી હતી. બેઠકમાં મહાનગરપાલિકાના કમિશ્નર દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, પ્રાંત અધિકારી જનમ ઠાકોર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





