
મહુવાના ભાદ્રોડ ગામે ખેડૂતો સાથે ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવતા કૃષિમંત્રીશ્રી
——
માહિતી બ્યુરો, ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કમોસમી વરસાદ થયો છે ત્યારે તાલુકા સેવા સદન મહુવા ખાતે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક બાદ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ મહુવાના ભાદ્રોડ ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી.
આ તકે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને મહુવા, જેસર અને ગારિયાધાર તાલુકામાં થયેલ કમોસમી વરસાદ તેમજ ખેડૂતોને થયેલ નુકસાન અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
કૃષિ મંત્રીશ્રીએ મહુવાના ભાદ્રોડ ગામની મુલાકાત લઈને ખેડૂતના ખેતર પર જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ તકે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી, આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી શ્રી ધવલ રવૈયા સહિત જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
——






