ભરુચ ક્રાઇમ બ્રાન્ચનું હૈદરાબાદમાં ઓપરેશન:19 વર્ષથી નાસતા ફરતા મેવાતી ગેંગના આરોપીને ઉઠાવ્યો, ધાડના ગુનામાં ફરાર હતો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના ટોપ-10 નાસતા ફરતા આરોપીઓમાં સામેલ આમોદ પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં છેલ્લા 19 વર્ષથી નાસતા ફરતા મેવાતી ગેંગના આરોપીને હૈદરાબાદ (તેલંગાણા) ખાતેથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
રાજ્યના દરેક જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા ટોપ-10 આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને ભરૂચ એલ.સી. બી.ની ટીમો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ના આધારે સતત તપાસ કરી રહી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આમોદ પોલીસ મથકમાં નોંધાયેલા ધાડના ગુનામાં નાસતો ફરતો આરોપી અસલમ ધનમત મેવાતી છેલ્લા ઘણા વર્ષોથી તેલંગાણા રાજ્યના મેડાચાલ જિલ્લાના માલકજગીરી તાલુકાના ફુલતરુ ગામે કોન્ટ્રાક્ટ હેઠળ જે.સી.બી.ડ્રાઇવર તરીકે કામ કરી રહ્યો છે.
બાતમી આધારે એલ.સી.બી.ની ટીમ તાત્કાલિક હૈદરાબાદ પહોંચી આરોપીને વોચ રાખી આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આમોદ પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં પોતાની ધરપકડ બાકી હોવાની કબૂલાત આપી હતી.ક્રાઇમ બ્રાન્ચે ક્રીમીનલ પ્રોસીજર કોડની સલંગ્ન કલમ હેઠળ કાર્યવાહી કરી આરોપીને આમોદ પોલીસના હવાલે કર્યો છે.




