અંકલેશ્વર કોર્ટે હત્યાના આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારી:લગ્નપ્રસંગે થયેલી હત્યાના પાંચ વર્ષ જૂના કેસમાં ચુકાદો આપ્યો


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર સેશન્સ કોર્ટે પાંચ વર્ષ પહેલાં ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે થયેલી હત્યાના કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઘટના લગ્નપ્રસંગે નાચવા બાબતે થયેલા ઝઘડા બાદ બની હતી.આ ઘટના 27 ફેબ્રુઆરી, 2020ના રોજ બની હતી.
માલજીપુરા ગામમાં એક લગ્નપ્રસંગે ડી.જે. પર રાકેશ ઠાકોર વસાવા અને તેનો મિત્ર નાચી રહ્યા હતા. તે સમયે નાચવા બાબતે કુંજન વસાવાએ રાકેશના મિત્રને લાફા માર્યા હતા. રાકેશ વસાવાએ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.આ ઝઘડા બાદ રાકેશ વસાવા ફળિયામાં નવીન વસાવાના ઘરે ટીવી જોવા ગયો હતો. તે દરમિયાન કુંજન વસાવા ત્યાં પહોંચ્યો હતો અને ચપ્પુ વડે રાકેશને છાતીના ભાગે હુમલો કર્યો હતો. આ હુમલામાં રાકેશનું કરુણ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે ઝઘડિયા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી કુંજન વસાવાને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો હતો. આ મર્ડરનો કેસ અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ જીગર પંચાલની દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ જજ એસ.પી. રાહતકરે આરોપીને 10 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.




