
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
શામળાજી મંદિર ખાતે યોજાશે તુલસી વિવાહ, પત્રકાર પરિષદ યોજાઈ – શામળાજી ટ્રસ્ટ ધ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે કારતક સુદ એકમના દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઇ ટ્રસ્ટ ધ્વારા પત્રકાર પરિષદ તેમજ પત્રકાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો. મંદિરના ટ્રસ્ટી અનિલભાઈએ માહિતી આપી હતી કે દર વર્ષની જેમ આ સાલે પણ તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કારતક સુદ એકમના દિવસે તુલસી વિવાહ મનોરથની ઉજવણી કરવામાં આવશે જ્યારે 2 નવેમ્બરના રોજ ભગવાન વિષ્ણુ નો વરઘોડો સાંજના સમયે ડાગરેજી મહારાજ અન્નક્ષેત્ર થી 3 બગીઓ માં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળશે.વરઘોડામાં શામળિયાના ભક્તો અને ભગવાન વિષ્ણુના યજમાન પરિવારજનો મોટી સંખ્યામાં જોડાશે. મંદિર પરિસરમાં ભવ્ય મંડપ અને અવનવી રોશની સાથે લગ્ન ચોરી બનાવવામાં આવશે. મામેરાના યજમાન દ્વારા તુલસી માતાના તમામ પહેરવેશ અને દાગીના સહિતનું રૂડું મામેરું પૂરવામાં આવશે.ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન વિષ્ણુના લગ્ન વિધિની શરૂઆત કરાશે. માતા તુલસીના યજમાનો દ્વારા તુલસીજીને સોળે શણગાર સજીને મંડપમાં પધરાવવામાં આવશે અને વિધિસર લગ્ન ગીતો સાથે ભગવાનના લગ્ન સંપન્ન થશે. ઉપસ્થિત તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમવાર પત્રકાર મિત્રોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અરવલ્લી જિલ્લાની અંદર વિવિધ પત્રકારોને શામળાજી મંદિર ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટીઓ ધ્વારા ખેસ પહેરાવી નવા વર્ષના અભિનંદન પાઠવી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી





