
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુરુવારે ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો,જેના પગલે સુબિર અને વઘઇ તાલુકામાં કમોસમી વરસાદનું જોરદાર ઝાપટુ વરસી ગયુ હતુ.સવારથી શરૂ થયેલા વરસાદને કારણે જિલ્લાના કેટલાક વિસ્તારનાં ખેડૂતો પર અસર જોવા મળી હતી. સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના દસ કલાકના સમયગાળા દરમિયાન ડાંગ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.આંકડાઓ મુજબ, સૌથી વધુ વરસાદ સુબિર તાલુકામાં 53 મીમી (બે ઇંચથી વધુ) નોંધાયો હતો, જેણે આ વિસ્તારને જળબંબાકાર કરી દીધો હતો.જ્યારે વઘઇ તાલુકામાં 13 મીમી વરસાદ વરસ્યો હતો.જ્યારે જિલ્લા મથક આહવામાં 02 મીમી હળવો વરસાદ નોંધાયો હતો. સુબિર અને વઘઇમાં ધોધમાર વરસાદ પડતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ઓક્ટોબર મહિનાના અંતમાં અચાનક આવેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને તૈયાર થઈ ગયેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેતીવાડીના કામકાજ પણ અટકી પડ્યા હતા. કમોસમી વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર સજ્જ બન્યું છે..





