Rajkot: રાષ્ટ્રીય સ્તરે રાજકોટનું ગૌરવ વધારતાં હેમ રેડિયો ઓપરેટર શ્રી રાજેશભાઈ વાગડીયા

તા.30/10/2025
વાત્સલયમ્ સમાચાર
આલેખન – પ્રિયંકા પરમાર
ગોવા ખાતે યોજાયેલા “હેમ ફેસ્ટ” કાર્યક્રમમાં અવકાશયાત્રી શ્રી શુભાંશુ શુક્લાના હસ્તે એલ્મર એવોર્ડ પ્રાપ્ત કર્યો
હેમ ફેસ્ટમાં સૌ પ્રથમવાર હેમ રેડિયો સેટેલાઈટ કોમ્યુનિકેશનનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરીને બે વિદેશી અને ત્રણ ભારતીય સ્ટેશનનો સંપર્ક કર્યો
રાજ્યમાં અંદાજે ૨ હજાર જેટલા ઓપરેટરો હેમ રેડિયોનું લાયસન્સ ધરાવે છે : રાજ્યમાં કુદરતી આપદાઓ વખતે હેમ રેડિયોની ભુમિકા નોંધપાત્ર
Rajkot: હેમ રેડિયો દ્વારા યુવા પેઢીને અવકાશ વિજ્ઞાનમાં રસ લેવા પ્રેરતી AMSAT India (ભારતીય એમેચ્યુર રેડિયો સેટેલાઈટ પ્રોગ્રામ) સંસ્થાના સહયોગથી જી.એ.આર.એસ દ્વારા ગોવા ખાતે રાષ્ટ્રીય કક્ષાના હેમ ફેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અવકાશ યાત્રી શ્રી શુભાંશુ શુક્લા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેઓ સ્વયં હેમ રેડિયોનું લાયસન્સ ધરાવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હેમ રેડિયો ક્ષેત્રે, અન્ય ટેક્નોલોજીનું આદાન-પ્રદાન અને નવા સંશોધનને પ્રોત્સાહિત કરવાનો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટના અને હેમ રેડિયો ક્ષેત્રે છેલ્લાં ૨૫ વર્ષથી સંકળાયેલા શ્રી રાજેશભાઈ વાગડીયાનું શ્રી શુભાંશુ શુક્લાના હસ્તે એલ્મર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગાંધીનગર કાર્યરત જી.આઈ.એ.આર (GIAR) સંસ્થામાં કાર્યરત ડૉ.જગદીશભાઈ પંડ્યા અને શ્રી પ્રવીણભાઈ વાલેરાને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે, શ્રી રાજેશભાઈ વેસ્ટ ઈન્ડીયા ઝોનના રિજનલ કો-ઓર્ડીનેટર તરીકે કાર્યરત છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
આ અવસરે શ્રી શુભાંશુ શુક્લાએ અંતરિક્ષ સ્પેસ સ્ટેશનમાં થયેલા અનુભવ, પડકારો અને હેમ રેડિયોના મહત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમજ AMSAT India દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન તરફ આકર્ષિત કરવાની ઉમદા કામગીરીને બિરદાવી હતી.
હેમ ફેસ્ટમાં શ્રી રાજેશભાઈ દ્વારા સૌ પ્રથમવાર સર્વે મહાનુભાવોની હાજરીમાં હેમ રેડિયો સેટેલાઈટ કોમ્યુનિકેશનનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ લીધો હતો અને તલસ્પર્શી ચર્ચાઓ કરીને જિજ્ઞાસાથી ભરપૂર પ્રશ્નોના સંતોષપૂર્વક જવાબ આપવામાં આવ્યા હતા. આ લાઈવ સેટેલાઈટ ડેમોન્સ્ટ્રેશન દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન રિપીટર થકી બે વિદેશમાં અને ત્રણ ભારતીય સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
હેમ રેડિયોના ઉપયોગ અને મહત્ત્વ અંગે વાત કરતા શ્રી રાજેશભાઈએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમમાં હેમ રેડિયોના ઉપયોગ અંગેની તાલીમનું મહત્વ વધ્યું છે. મોબાઈલ કે ઈન્ટરનેટના નેટવર્ક વિના એક શહેરથી બીજા શહેર, એક દેશથી બીજા દેશ તથા અવકાશ સુધી સંદેશાઓ પહોંચાડવાની ક્ષમતા હેમ રેડિયોમાં છે. મનોરંજન, શિક્ષણ અને આપત્તિના સમયમાં હેમ રેડિયો જીવન રક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. તેમજ હેમ રેડિયો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને કલેકટર ઓફિસ સાથે સંકલન કરીને કુદરતી આપદા વખતે સરકારી તંત્રને મદદરૂપ થાય છે તેમજ નાગરીકોની સુરક્ષામાં સહભાગી બને છે. વધુમાં AMSAT India દ્વારા વિદ્યાર્થીઓ હેમ રેડિયો સાથે જોડાય તે માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં હેમ રેડિયો અંગે વર્કશોપનું આયોજન પણ કરવામાં આવે છે તથા હેમ રેડિયોનું લાયસન્સ મેળવવામાં પણ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.
વધુમાં વર્ષ ૨૦૧૯માં વાયુ સાઈકલોન અને વર્ષ ૨૦૨૩માં બિપરજોય વાવાઝોડા વખતે પોરબંદર પોલીસ તંત્ર સાથે સંકલનમાં રહી શ્રી રાજેશભાઈ અને યુવા હેમ ઓપરેટર શ્રી શ્યામા વાગડીયા, સ્નેહલ વાગડીયા દ્વારા વાયરલેસ કોમ્યુનિકેશનમાં વહીવટી તંત્રને મદદરૂપ થયા હતા. ઉલ્લેખનીય છે કે, શ્રી રાજેશભાઈ દ્વારા સ્થાપિત હેમ સ્ટેશન HF, VHF, UHF, ડિજીટલ કોમ્યુનિકેશન, સેટેલાઈટ કોમ્યુનિકેશની ક્ષમતા ધરાવે છે જે કુદરતી આપદાઓ વખતે નોંધપાત્ર ભુમિકા ભજવે છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં ૩૦ લાખથી વધુ લોકો હેમ રેડિયોનું લાયસન્સ ધરાવે છે. જેમાં જાપાન દેશ ૧૩ લાખ જેટલા હેમ રેડિયોનું લાયસન્સ ધરાવે છે. જ્યારે સમગ્ર ભારતમાં ૩૦ હજાર અને ગુજરાતમાં ૨ હજાર લોકો પાસે હેમ રેડિયોનું લાયસન્સ ધરાવે છે. આમ, શ્રી રાજેશભાઈ વાગડિયા રાજકોટનું ગૌરવ વધારવાની સાથે ભવિષ્યની પેઢીને અવકાશ ક્ષેત્રે ઉજ્જવળ કારકીર્દિ ઘડવા માટે તૈયાર કરી રહ્યા છે.






