*ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ — આશીર્વાદ સમાન આરોગ્યસેવા, એક માસમાં ૪૦૦થી વધુ ડિલિવરીની અનોખી સિદ્ધિ*

*ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ — આશીર્વાદ સમાન આરોગ્યસેવા, એક માસમાં ૪૦૦થી વધુ ડિલિવરીની અનોખી સિદ્ધિ*
***
*રાજસ્થાનના કેબિનેટ મંત્રીશ્રી બાબુલાલ ખરાડીના પરિવારે પણ હોસ્પિટલની સુવિધાનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો*
****
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકો આજે આરોગ્યસેવામાં નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે. ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ હવે માત્ર એક હોસ્પિટલ નથી, પરંતુ માતૃત્વસુરક્ષા અને માનવતા માટેનું પ્રતિક બની ચૂકી છે.
હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ તથા ગાયનેકોલોજિસ્ટ ડૉ. અશ્વિનભાઈ ગઢવીના દૃઢ નેતૃત્વ હેઠળ અહીં સતત ઉચ્ચ ગુણવત્તાની સેવા આપવામાં આવી રહી છે. તેમની ટીમની નિષ્ઠા, સેવા અને કાર્યદક્ષતાના કારણે ન માત્ર ખેડબ્રહ્મા તાલુકાના પરંતુ પાડોશી રાજસ્થાન રાજ્યના અનેક મહિલા દર્દીઓ માટે પણ આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે.
ડૉ. અશ્વિનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે — “અહીં દર મહિને સરેરાશ ૩૫૦ જેટલી ડિલિવરી કરવામાં આવે છે, પરંતુ આ મહિનામાં ૪૦૦થી વધુ ડિલિવરી કરીને અમારી ટીમે નવી સિદ્ધિ હાંસલ કરી છે.”હોસ્પિટલમાં માત્ર ૧૦ ટકા જેટલી જ સિઝેરિયન ડિલિવરી, જ્યારે બાકીની ૯૦ ટકા નોર્મલ ડિલિવરી થાય છે — જે હોસ્પિટલની કુશળ ટીમ અને સુવિધાસભર વ્યવસ્થાનું પ્રતિબિંબ છે.
આ હોસ્પિટલની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા એ સ્તરે પહોંચી છે કે રાજસ્થાનના કેબિનેટ મંત્રીશ્રી બાબુલાલ ખરાડીના પરિવારે પણ અહીંની સેવા લીધી હતી.
મંત્રીશ્રીની પુત્રવધૂ સોનાકુમારી દેવેન્દ્રકુમાર ખરાડીને ડોક્ટરોની ટીમે સફળતાપૂર્વક જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો.
પોતાની પુત્રવધૂના પ્રસૂતિ પ્રસંગે મંત્રીશ્રીના પરિવારજનો હોસ્પિટલમાં હાજર રહ્યા હતા અને અહીં મળતી આરોગ્યસેવાનો અનુભવ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ સિદ્ધિ માત્ર એક આંકડો નથી — પરંતુ આરોગ્યક્ષેત્રમાં સમર્પિત સેવા, ટીમવર્ક અને માનવતાનો જીવંત દાખલો છે.
ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલના ડૉ. અશ્વિનભાઈ ગઢવી અને સમગ્ર સ્ટાફે જે સમર્પણ સાથે માતૃત્વસુરક્ષા ક્ષેત્રે સેવા આપી છે, તે આરોગ્ય વિભાગ માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતિક બની રહી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા





