
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘રન ફોર યુનિટી’નું આયોજન
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વહેલી સવારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ‘રન ફોર યુનિટી’યોજાઈ.આ પ્રસંગે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘રન ફોર યુનિટી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકની પ્રેરક ઉપસ્થિતિમાં આ દોડનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. દોડના માર્ગમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશને પ્રતિબિંબિત કરતા નારા અને બેનરો દ્વારા વાતાવરણને ઉત્સાહમય બનાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એ સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, “આજની યુવા પેઢીએ સરદાર પટેલના આદર્શોને અનુસરીને રાષ્ટ્રીય એકતા અને સમૃદ્ધિ માટે પ્રેરિત થવું જોઈએ.”આ કાર્યક્રમના આયોજનમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તથા સ્થાનિક સંસ્થાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ‘રન ફોર યુનિટી’એ એકતાનો સંદેશ આપતાં જિલ્લાના નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી હતી.આ કાર્યક્રમમાં નગરાપાલિકા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી,નાયબ પોલીસ અધિક્ષક મામલતદાર મોડાસા, રમત ગમત અધિકારી પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
 
				




