ભરૂચ APMC માર્કેટમાં ગંદકી અને કચરાના ઢગલા:સફાઈ ન થતાં વેપારીઓમાં ભારે રોષ, આંદોલનની ચીમકી ઉચ્ચારી, દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવથી રોગચાળાની ભીતિ





સમીર પટેલ, ભરૂચ
ભરૂચના મહંમદપુરા રોડ પર આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) માર્કેટમાં ગંદકી અને કચરાના ઢગલાઓના કારણે વેપારીઓ અને ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માર્કેટમાંથી આવતી દુર્ગંધ અને મચ્છર ઉપદ્રવને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યાપી છે. જેના કારણે વેપારીઓએ ભારે આક્રોશ વ્યક્ત કરતાં તાત્કાલિક સફાઈ કરવામાં ન આવે તો આંદોલનનો ચીમકી ઉચ્ચારી છે.
એપીએમસી માર્કેટમાં અંદાજે 400 જેટલી દુકાનો આવેલી છે, જેમાં ફળફળાદી, શાકભાજી સહિતના વિવિધ વેપાર ચાલે છે. વેપારીઓએ વર્ષ દરમિયાન આશરે ત્રણ કરોડ જેટલી રકમ એપીએમસીને ચૂકવતાં હોવા છતાં માર્કેટમાં રોડ, લાઇટ અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક વેપારીઓ અને રહીશોનું કહેવું છે કે, માર્કેટમાં લાંબા સમયથી સફાઈ ન થવાને કારણે કચરાના ઢગલાઓના ગઢ ઊભા થઈ ગયા છે. હાલ કમોસમી વરસાદને કારણે કચરો કોહવાઈ જવાથી સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે વેપારીઓ અને ખરીદદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે આજે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણાની આગેવાનીમાં વેપારીઓએ એપીએમસી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. રાણાએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો આગામી દિવસમાં માર્કેટની યોગ્ય રીતે સફાઈ નહીં થાય તો એપીએમસી કચેરી સામે આંદોલન અને તાળાબંધી કરવામાં આવશે. અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે, APMC માર્કેટ ગંદકીનું ભરમાર બની ગયું છે. કોરોના બાદ શરૂ થયેલા માર્કેટમાં કચરાના ઢગલા અને ગંદકીથી વેપારીઓ અને ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે ગુજરાત સરકાર અને કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆતો કરી હોવા છતાંય કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. સંચાલકો લાખોનો સેસ ઉઘરાવતા હોવા છતાંય માર્કેટમાં કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. જેથી વેપારીઓએ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આજ વિસ્તારના સ્થાનિક રહીશ અને ખેડૂત એવા અલ્લી પટેલે જણાવ્યું હતું કે, અમે લોકો રોજિંદી ખરીદી કરવા માટે APMC માર્કેટમાં આવીએ છે. અહીંયા રોડ રસ્તા તો બરાબર નથી. તેમજ માર્કેટ ગંદકીના કારણે ડમ્પીંગ સાઇટ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. અહીંયાના વેપારીઓ ટેક્સ ચૂકવતા હોવા છતાંય કોઈ કામગીરી નહી થતા આ લોકો જાડી ચામડીના હોય તેમ લાગે છે. ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવી પણ ભીતિ છે. આવામાં કોઈ ખરીદી કરવા માટે કઈ રીતે આવે. અહીંયા ગટર, પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી. જિલ્લાના આટલી મોટી શાક માર્કેટમાં ખરીદી કરતા પણ શરમ આવે છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જેથી સંચાલકો દ્વારા તાત્કાલિક પગલાં ભરાય તેવી માગ છે. જ્યારે આ અંગે એપીએમસીના ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે, “ભરૂચમાં હાલ ડમ્પિંગ સાઇટની તાત્કાલિક સમસ્યા અને વરસાદી માહોલને કારણે કચરો ઉપાડવામાં વિલંબ થયો છે. વરસાદ બંધ થયા બાદ તાત્કાલિક સફાઈ શરૂ કરવામાં આવશે અને માર્કેટની સંપૂર્ણ સફાઈ સુનિશ્ચિત કરવામાં આવશે.”




