વાવ-થરાદ જિલ્લામાં રૂ.૧૪.૨૬ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત કરતા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

2 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વીજળી, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ થકી વાવ- થરાદ જિલ્લામાં આવશે ગુણાત્મક પરિવર્તન અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ નવનિર્મિત વાવ – થરાદ જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત કરાયું હતું. અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વાવ – થરાદ જિલ્લામાં કુલ રૂ. ૧૪.૨૬ કરોડના ૦૪ વિકાસ કાર્યોનું ખાતમુર્હુત કરાયું હતું જેમાં ૧૦ કરોડના ખર્ચે તૈયાર થનાર રાહ તાલુકાના કમાળી ખાતે નવીન સબ સ્ટેશનનું ખાતમુર્હુત, ૨.૧૨ કરોડ પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુર્હુત, માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળના રૂ.૧.૮૨ કરોડના ખર્ચે રાહ તાલુકામાં નિર્માણ પામનાર કમાળી થી ગોળીયા રોડનું ખાતમુર્હુત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના રાહ તાલુકાના કમાળી ખાતે રૂ. ૩૨ લાખના ખર્ચે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત કરાયું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં વાવ- થરાદ જિલ્લો રાજ્યમાં અગ્રીમ હરોળમાં સ્થાન પામે તે મુજબના વિકાસના કાર્યોને સરકારશ્રી દ્વારા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય અને ઊર્જા ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, નવીન વીજ સબ-સ્ટેશન થકી રાહ વિસ્તારના ખેડૂતોને સતત અને પૂરતો વીજ પુરવઠો મળી રહેશે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ અને આધુનિક શૈક્ષણિક વાતાવરણ મળી રહેશે. કમાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે. આ પ્રસંગે બનાસ બેન્કના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર, સ્થાનિક આગેવાનો, સબંધિત અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.










