ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, ભાજપના કાર્યકર્તા ભાગ્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામડાંના ખેડૂતો છેલ્લા ઘણાં સમયથી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી(HUDA)ની વિકાસ યોજનાને લઈને જાહેર કરાયેલા નોટિફિકિશને અંગે વિરોધ નોંધાવી રહ્યા છે. આ મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે. આજે 2 નવેમ્બર, 2025ના રોજ ભાજપના યોજાયેલા બેરણા જિલ્લા પંચાયત સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોએ વિરોધ નોંધાવતા ભાજપના કાર્યકરો દોડતા થયા હતા અને સ્નેહ મિલનનું સ્થળ બદલવું પડ્યું હતું.
એક તરફ હિંમતનગરમાં અલગ-અલગ ગામડાંઓમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી HUDA દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો બીજી તરફ, આજે રવિવારે હિંમતનગર તાલુકાના ગાંભોઈની ખાનગી હોટલ ખાતે બેરણા જિલ્લા પંચાયત બેઠકનો ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.
આ અંગે ખેડૂતોને જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા અને HUDAનો પક્ષ લેનારા લોકોને સદબુદ્ધિ માટે ખેડૂતોએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના વિરોધને પગલે સ્નેહ મિલન કાર્યક્રમ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને ભાગવું પડ્યું હતું અને કાર્યક્રમનું સ્થળ બદલવું પડ્યું હતું.
ખેડૂતો-ગ્રામજનોનું કહેવું છે કે, ‘હિંમતનગરમાં HUDAની વિકાસ કામગીરીને લઈને બહાર પાડેલા નોટિફિકેશને ધ્યાને લેતાં આ યોજનાના અમલથી ખેડૂતોની ખેતીલાયક 40 ટકા જમીનનો મોટો હિસ્સો કપાતમાં જઈ રહ્યો છે. જેથી પાયમાલ કરતો વિકાસ, અમને જોઈતો નથી. સમગ્ર મામલે અનેક રજૂઆત કરી છતાં યોગ્ય નિકાલ કે વિચારણ કરવામાં આવી નથી.’



