ખેડૂતોના પાક નુકસાન અને દેવા માફ માંગને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
ભારતીય કિસાન સંઘ, થરાદ દ્વારા વાવ-થરાદ જિલ્લા કલેક્ટરને ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી છે. સંઘે ખેડૂતોના પાક નુકસાન, દેવા માફી અને સિંચાઈ સંબંધિત મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી.
રજૂઆતમાં જણાવાયું હતું કે, વાવ, થરાદ, સુઈગામ, ભાભર અને ધરણીધર તાલુકાઓમાં વર્ષ 2025માં વારંવાર ભારે વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાન અંગે સરકારે તાત્કાલિક સહાય કરવી જોઈએ તેવી વિનંતી કરવામાં આવી હતી.
સંઘની મુખ્ય માંગણીઓમાં વર્ષ 2025ના ભારે વરસાદથી થયેલા નુકસાનના વળતર પેટે સરકારે જાહેર કરેલા પેકેજની રકમ સર્વે કર્યા વિના એક અઠવાડિયાની અંદર સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ખેડૂતોના દેવા માફ કરવા, નાગલા, ખાનપુર, ડોડગામ જેવા ગામોનું ખારું પાણી કેનાલોમાં નાખવાનું બંધ કરીને તેને રણ વિસ્તારમાં વાળવું, કેનાલોનું સમારકામ અને સફાઈ કરીને તાત્કાલિક ખેડૂતોને પાણી પૂરું પાડવું, અને ટેકાના ભાવે પ્રતિ ખેડૂત 200 મણ મગફળીની ખરીદી કરવી જેવી માંગણીઓ પણ કરવામાં આવી હતી.
- કિસાન સંઘે કલેક્ટરને વિનંતી કરી છે કે, ખેડૂતોની આ સ્થાનિક માંગણીઓને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. જો આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ખેડૂતોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
 
				



