વલસાડ જિલ્લામાં ડાંગર પાકની નુકસાની માટે ૪૬૯ પૈકી ૩૧૫ ગામના ૬૧૦૩૬ હેકટરમાં સર્વે કામગીરી પૂર્ણ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
૩૩ ટકા અને તેથી વધુ નુકસાની માટે અસરગ્રસ્ત ૩૫૪૯૧ ખેડૂતોને સહાય ચુકવણીનો અંદાજ રૂ. ૪૫૧૯.૧૧ લાખ
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે વલસાડ જિલ્લાના ખેતરોમાં ડાંગર સહિતના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ સ્થિતિમાં રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સર્વે અને પંચ રોજકામ કરવાની સૂચના આપવામાં આવતા જિલ્લામાં સર્વે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
વલસાડ જિલ્લામાં ડાંગર પાકનો કુલ વાવેતર વિસ્તાર ૭૩૭૬૬ હેકટર છે. જે તમામ પાક કમોસમી વરસાદને કારણે નુકસાનગ્રસ્ત થયો છે. જેના સર્વે માટે જિલ્લામાં ૯૯ ટીમ કાર્યરત છે. જેમના દ્વારા જિલ્લામાં કુલ ૪૬૯ અસરગ્રસ્ત ગામોમાં સર્વે કામગીરી હાથ ધરાતા અત્યાર સુધીમાં ૩૧૫ ગામોમાં કુલ ૬૧૦૩૬ હેકટર વિસ્તારમાં સર્વે કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. ૩૩ ટકા અને તેથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર ૨૬૫૮૩ હેકટર છે, ૩૩ ટકા અને તેથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા ૩૫૪૯૧ છે. ૩૩ ટકા અને તેથી વધુ નુકસાની માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવણીનો અંદાજ રૂ. ૪૫૧૯.૧૧ લાખ છે.
જિલ્લામાં ડાંગરની સાથે અડદ, રાગી, શાકભાજી અને ઘાસચારોના પાકને પણ નુકસાન થયુ છે. જે મુજબ જિલ્લામાં કુલ ૧૭૨૮૨ હેકટર વિસ્તારમાં ઉપરોક્ત કઠોળ અને શાકભાજી પાકનું વાવેતર થયું હતું. જેમાંથી ૧૪૪૯૮ હેકટર વિસ્તારમાં ઉભા પાકને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયુ હતું. જે તમામની સર્વે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ અંગે વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અરૂણ કે. ગરાસિયાએ જણાવ્યું કે, જિલ્લામાં ડાંગર અને શાકભાજી પાક મળી કુલ ૯૧૦૪૮ પાકનું વાવેતર થયું હતું. દિવાળીના સમયે જિલ્લાના ખેડૂતોએ ૧૨ હજાર હેકટર વિસ્તારમાં ડાંગરના પાકની કાપણી પૂર્ણ કરી રાહત અનુભવી હતી. બાકી વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થતા રાજ્ય સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરવા માર્ગદર્શન આપ્યું હતું. જે મુજબ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના નેતૃત્વમાં વલસાડ જિલ્લામાં કુલ ૯૯ ટીમ સર્વે માટે બનાવી છે, જેમાં ૨૫ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમ દ્વારામાં નાનામાં નાના ખેડૂતોની મુલાકાત લઈ તેમના ખેતરમાં નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારનો ખેડૂત પ્રત્યે સંવેદનશીલ અભિગમ છે, ખેડૂતોને નુકસાન સહાય મળે તે માટે સર્વે કામગીરી ઝડપભેર પૂર્ણ કરી રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવશે.
				


