GUJARATJUNAGADH

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના જૂથળ ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવ્યો: પાણીધ્રા ગામે જઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના જૂથળ ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવ્યો: પાણીધ્રા ગામે જઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે કમોસમી વરસાદના પગલે ખેત પાકોની નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવવા માટે જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના જુથળ ગામના ખેડૂતના ખેતરે પહોંચ્યા હતા. બાદમાં પાણીધ્રા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને સધિયારો આપતા કહ્યું કે ખેડૂતોએ ખેતી પાક માટે ખૂબ મહેનત કરી છે. સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે. આ આપદામાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે. ખેડૂતોને સહાયરૂપ બનવા માટે સરકાર ખેડૂતોની જોડે ઉભી છે. વહેલી તકે ખેડૂતોને મદદરૂપ બનવા માટે સહાય જાહેર કરાશે.પાણીધ્રા ગામની મુલાકાત પૂર્વે મુખ્યમંત્રીશ્રી એ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો સાથે ખેતરે સંવાદ સાધી સંવેદનાપૂર્વક તેમના પાક નુકસાની સહિત અન્ય મુશ્કેલીઓ જાણી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ મગફળીના પાકમાં થયેલી નુકસાનીનું પણ નિરીક્ષણ કર્યું હતું, આ ઉપરાંત આસપાસના ખેતરોમાં થયેલી નુકસાની અંગે ખેડૂતો, સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીની સાથે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાએ પાક નુકશાનીનું નિરીક્ષણમાં કર્યું હતું.પાણીધ્રા ગામે પ્રાથમિક શાળાના પરિસરમાં મોટી સંખ્યામાં ખેડૂતો મુખ્યમંત્રીશ્રીને આવકારવા પહોંચ્યા હતા. જ્યાં ગામના ખેડૂત દેવાભાઈ ભાદરકા એ કહ્યું કે, અમને રાજ્ય સરકાર પર વિશ્વાસ છે અને વહેલી તકે સહાય આપશે. અગાઉ પણ રાજ્ય સરકારે આવી સ્થિતિમાં મદદ કરી છે. જ્યારે કાંતિભાઈ પનારાએ પ્રતિભાવ આપતા મુખ્યમંત્રી સમક્ષ કહ્યું કે, અમે એક વર્ષ હારી ગયા છીએ પણ જિંદગી નહીં. રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને આજે મુખ્યમંત્રીશ્રી ખુદ અમારા ગામમાં આવ્યા છે અને અમારા ખબર અંતર પૂછી ખેતી પાકની નુકસાનીની માહિતી મેળવી છે, તેથી અમને સધિયારો મળ્યો છે. લાખાભાઈ કડછા એ પણ પ્રતિભાવ આપી મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ પાણીધ્રા ગામે કમોસમી વરસાદથી જૂનાગઢ જિલ્લાના પ્રભાવિત ગામો અને ખેતી પાક નુકસાની પ્રાથમિક માહિતી આપી હતી. તેઓએ મુખ્યમંત્રીશ્રીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.મુખ્યમંત્રીશ્રીને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ પણ પાક નુકસાનીના સ્થિતિ- સંજોગોથી અવગત કર્યાં હતાં.મુખ્યમંત્રીશ્રીની આ પાક નુકસાનીના નિરીક્ષણની મુલાકાત દરમિયાન અને પાણીધ્રા ગામે ખેડૂતો સાથેના સંવાદમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી દિલીપસિંહ સિસોદિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, સ્થાનિક અગ્રણી શ્રી દિલીપસિંહ સિસોદિયા, આસિસ્ટન્ટ કલેકટર શ્રી પ્રતીક જૈન, અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જીગર ભટ્ટ, શ્રી જયંતીભાઈ સેવરા, પાણીધ્રા ગામના સરપંચ શ્રી હરેશભાઈ ડાભી, સહિત ખેડૂતો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!