
નર્મદા: કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનનું સર્વેની કામગીરી પૂર જોશમાં
રાજપીપળા : જુનેદ ખત્રી
કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલાં નુકસાન બાદ રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના હિતમાં ત્વરિત પગલાં લઈ રહી છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક સર્વે શરૂ કરવાની સૂચના આપતાં નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા, સાગબારા અને ચીકદા તાલુકામાં સર્વે કાર્ય પૂરઝડપે આગળ વધી રહ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર મુજબ અત્યાર સુધી ડેડીયાપાડા તાલુકાનાં 112, ચીકદા તાલુકાનાં 55 તથા સાગબારા તાલુકાનાં 95 ગામોમાં તલાટી, ગ્રામસેવક, VCE અને સર્વેયર ટીમો દ્વારા નુકસાનગ્રસ્ત પાકનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.ખેતીવાડી વિભાગની ટીમો કાળજીપૂર્વક રિપોર્ટ તૈયાર કરી રહી છે અને બાકી ગામોનું સર્વે કાર્ય આવતીકાલે પૂર્ણ થવાનું છે.
જિલ્લામાં ડાંગર, મકાઈ, તુવેર, સોયાબીન, શાકભાજી અને કઠોળ જેવા પાકોમાં 60 થી 80 ટકા સુધીનું નુકસાન નોંધાયું છે. ડેડીયાપાડા તાલુકામાં અંદાજે 65%, ચીકદા તાલુકામાં 72% તથા સાગબારામાં આશરે 80% પાકોમાં નુકસાન જોવા મળ્યું છે.




