
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ “સ્વાગત કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત નવેમ્બર- ૨૦૨૫માં યોજાનાર કાર્યક્રમ માટેનાં જિલ્લા કક્ષાનાં પ્રશ્નો – ફરિયાદો આગામી તા.૧૦ નવેમ્બર-૨૦૨૫ સુધીમાં સબંધિત ખાતા -વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં જે તે વડાને પહોંચતા કરવા નાગરિકોને જણાવાયું છે. અરજદારે અરજીમાં મથાળે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” લખવાનું રહેશે. તા.૧૦/૧૧/૨૦૨૫ પછી મળેલ અરજીઓ આગામી માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવશે. નવેમ્બર-૨૦૨૫નો નવસારી જિલ્લા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૭/૧૧/૨૦૨૫ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે કચેરીના કોન્ફરન્સ હોલ, પહેલા માળે, કલેકટર કચેરી, નવસારી ખાતે યોજાશે. જેમા મહેસુલી તંત્ર, પોલીસ વિભાગ, ગુજરાત વિદ્યુત બોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડને લગતા પ્રશ્નો સબંધિત ખાતાના અધિકારી અને કલેકટર સંભાળશે. આ સિવાય અન્ય ખાતાનાં પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાના સબંધિત અધિકારીશ્રીઓને રજુ કરવા અરજદારે નોંધ લેવી. આ તારીખ વિત્યા પછીની કે સંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી, એક કરતા વધુ શાખામાં પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરીક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી અને આ કાર્યક્રમમાં રીપીટ થતા પ્રશ્નો પર કોઇ કાર્યવાહી થઇ શકશે નહી. જેની અરજદારોએ ખાસ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરશ,નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.





