શહેરા શ્રી સ્વામિનારાયણ મંદિરે તુલસી વિવાહ ઉત્સવ: હરિભક્તોને મળ્યો અલૌકિક આનંદ

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા: કારતક સુદ એકાદશી/દ્વાદશીના પવિત્ર દિવસે શહેરા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંદિર પરિસરમાં જાણે સાચા લગ્નનો માહોલ જામ્યો હતો,જ્યાં મોટી સંખ્યામાં ઉમટેલા હરિભક્તોએ તુલસી માતા અને ભગવાન શાલિગ્રામના લગ્નના દિવ્ય પ્રસંગનો આનંદ માણ્યો હતો.મંદિરના પટાંગણમાં રંગોળી અને ફૂલોથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. શેરડીના સાંઠા અને આંબાના તોરણોથી લગ્ન મંડપ તૈયાર કરાયો હતો, જેમાં તુલસી ક્યારાને ચુંદડી, બંગડીઓ અને શણગારથી સજીને કન્યા સ્વરૂપે વિરાજમાન કરવામાં આવ્યા હતા. બીજી બાજુ, ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા શાલિગ્રામજીને વરરાજા તરીકે પધરાવવામાં આવ્યા હતા.પરંપરાગત રીતે, શાસ્ત્રોક્ત વિધિ મુજબ પુજારીજી દ્વારા લગ્નની તમામ વિધિઓ કરવામાં આવી હતી.હરિભક્તોએ મંગળ ગીતો ગાયા હતા અને લગ્નના ગીતોની ધૂન પર આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જેમ કન્યાદાન આપવામાં આવે, તેમ અનેક ભક્તોએ તુલસી માતાનું કન્યાદાન કરી ધન્યતા અનુભવી હતી. જયમાલા, મંગળાષ્ટક અને ફેરાની વિધિમાં સૌ ભાવવિભોર બની ગયા હતા. આ પવિત્ર પ્રસંગે હાજર રહેલા દરેક હરિભક્તને અલૌકિક આનંદની અનુભૂતિ થઈ હતી અને સૌએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.ધાર્મિક ઉત્સવની સમાપ્તિ બાદ, સૌ ભક્તો માટે વિશેષરૂપે, આ પ્રસંગે પ્રસાદ તરીકે આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેણે બાળકોથી લઈને વડીલો સુધી સૌના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું. મંદિરના સંતો અને ટ્રસ્ટી મંડળે આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.






