MORBI:મોરબીના કૈલાશધામ અને મુક્તિધામ ખંડેર હાલતમાં તંત્રની ઉદાસીનતાએ પ્રજાને આક્રોશિત કરી

MORBI:મોરબીના કૈલાશધામ અને મુક્તિધામ ખંડેર હાલતમાં તંત્રની ઉદાસીનતાએ પ્રજાને આક્રોશિત કરી
રિપોર્ટર મહશીન શેખ દ્વારા મોરબી : મોરબી: શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કૈલાશધામ તથા લીલાપર રોડ ઉપર આવેલ મુક્તિધામ હાલ સંપૂર્ણ ખંડેર જેવી સ્થિતિમાં પહોંચી ગયાં છે. જીવતા હોય ત્યારે મોરબીની પ્રજાને સુવિધાઓનો અભાવ રહે છે, પરંતુ મૃત્યુ બાદ પણ અંતિમ સંસ્કાર માટેની વ્યવસ્થા દુર્દશાપૂર્ણ હાલતમાં હોવાનો ચોંકાવનારો દ્રશ્ય સામે આવ્યું છે.
કૈલાશધામ અને મુક્તિધામ બંને સ્થળે અગ્નિદાન માટેના ખાટલા તૂટી પડેલા છે, ઠાઠળીઓ અને બેઠકોની સગવડ નથી, બારવા માટેના લાકડાં પલળી ગયેલા તથા બિનઉપયોગી હાલતમાં છે. શેડ અને દિવાલો તૂટી પડ્યાં છે, છત છૂટી ગઈ છે, અને આખું સમશાન વિસ્તરણ જોખમી હાલતમાં પહોંચી ગયું છે.
લીલાપર રોડ પર આવેલ મુક્તિધામમાં તો અંદર સ્થાપિત શંકર ભગવાનની પ્રતિમા પણ ખંડિત હાલતમાં છે. ત્યાં આવેલા 7 થી 10 જેટલા બાથરૂમમાં ન પાણીની સગવડ છે, ન દરવાજા, અને દીવાલો તથા છત તૂટી પડવાની સ્થિતિમાં છે. બેસવા માટેની ખુરશીઓ તૂટી પડેલી, ધૂળધાણથી ભરેલી છે, અને અંતિમ સંસ્કાર માટે આવતા સગા-સંબંધીઓને છાંયડું કે પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી.
આ દુર્દશા સામે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભલિયા, મુન્નાભાઈ, ગીરીશભાઈ સહિતના આગેવાનોએ તીવ્ર આક્ષેપો કરતાં જણાવ્યું કે —
“મોરબી જિલ્લામાં ચાર ધારાસભ્ય, સાંસદ તથા તાજેતરમાં બનેલા શ્રમ રોજગાર મંત્રી પણ મોરબીના જ હોવા છતાં જો સમશાનની હાલત આટલી વણસી ગઈ હોય, તો મોરબી શહેરની અન્ય જાહેર સુવિધાઓની સ્થિતિનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે.”
આ સાથે સામાજિક આગેવાનોએ ઉમેર્યું કે —
“મોરબીના પાંજરાપોળ વિસ્તારમાં લાખો રૂપિયાનો ફંડ હોવા છતાં ત્યાં ઓફિસ માટે એસી રૂમ તથા આધુનિક બિલ્ડિંગ તાત્કાલિક ઊભું કરી દેવામાં આવે છે, પરંતુ અંતિમ સંસ્કાર જેવી માનવગૌરવ સાથે જોડાયેલી જગ્યા પર વર્ષોથી એક ઈંટ પણ નહીં મૂકાઈ હોય તે તંત્રની નિષ્ક્રિયતા અને ઉદાસીનતાનું જીવંત ઉદાહરણ છે.”
તેમણે તંત્રને તાત્કાલિક ધોરણે કૈલાશધામ અને મુક્તિધામ બંનેનું સંપૂર્ણ રીનોવેશન કરી અંતિમ સંસ્કાર માટે માનવસન્માનને યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની તાકીદ કરી છે.
“મરણ પામેલા માટે માનવીય ગૌરવ જળવાઈ રહે તે દરેક સમાજ અને તંત્રની ફરજ છે — પરંતુ મોરબી તંત્ર એ ફરજને પૂરી પાડવામાં નિષ્ફળ ગયું છે,” એમ કહી સામાજિક આગેવાનોએ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.









