Rajkot: ગુમ થયેલ ૩ વર્ષની બાળકીનુ સહી સલામત પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ

તા.5/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: રાજકોટના વાવડી ગામ ખાતે ગુમ થયેલ અજાણી બાળકીને 181 અભયમની ટીમે સહી સલામત તેના માબાપ પાસે પહોંચાડી હતી.
આ અંગેની વિગતો એવી છે કે રાજકોટના વાવડી ગામથી મોડી રાત્રે ૧૮૧ પર જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો કે કોઈ અજાણી ૩ વર્ષીય બાળકી મળી આવેલ છે તેમની મદદે 181 વાન મોકલો,આથી તાલુકા પો.સ્ટે. સ્થિત 181 વાનના કાઉન્સેલર કિંજલ વણકર, મહિલા કોન્સ્ટેબલ જાનકીબેન અને પાયલોટ દર્શિતભાઈ ઘટના સ્થળ પર પહોચી જાગૃત નાગરિકને મળ્યા ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે “હું દુકાન પર હતો ત્યારે મને ખબર પડી કે આ બાળકી છેલ્લા કેટલાંક કલાકથી ત્યાં ઊભી રડતી હતી. બાળકીને પૂછતા બાળકીએ કંઈ જણાવ્યું નહી. આજુબાજુમાં શોધખોળ કરતા કોઈ વાલી વારસ મળ્યા નહી, આથી મે 181 મહિલા હેલ્પલાઇન પર કૉલ કર્યો છે.”
૧૮૧ ની ટીમે વાવડી ગામ પોલીસ ચોકીએ જાણ કરતાં પોલીસને ખબર પડી કે એક અજાણી બાળકીના માતા-પિતા પણ બાળકીને શોધતાં વાવડી ગામ પોલીસ ચોકીએ આવ્યા હતા. માતા-પિતાના જણાવ્યા મુજબ રાત્રે ૮ વાગ્યે તેમની બાળકી બહાર રમતાં રમતાં ક્યાંક દૂર નીકળી ગઈ હતી, અને આજુબાજુમાં રહેતા બધા સગાં-સંબંધીઓમાંથી કોઈની પણ ઘરે બાળકી ગઈ નહોતી, આથી વાવડી ગામ ખાતે બાળકીનો પરિવાર બાળકીને શોધવા આવેલ હતો. આમ, બાળકીને ૧૮૧ ટીમે સહી સલામત તેના પરીવારના સભ્યોને સોંપી હતી અને તેઓને બાળકીની કાળજી રાખવા સમજાવ્યું હતું. બાળકીના પરીવારે ૧૮૧ ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.




