
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં વંદે માતરમની રાષ્ટ્રીય ઉજવણી, જન-જાતિય ગૌરવ રથયાત્રા તથા મતદારયાદી સુધારણા કાર્યક્રમ (SIR)અંગે પત્રકાર પરિષદ યોજાઈ
અરવલ્લી જિલ્લાના કલેક્ટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર એ વંદે માતરમની રાષ્ટ્રીય ઉજવણી, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે જન-જાતિય ગૌરવ રથયાત્રા તથા મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી
જિલ્લા કલેક્ટર એ જણાવ્યું, ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ની પ્રસિધ્ધિની તારીખ ૭મી નવેમ્બરની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા ચળવળ દરમિયાન “વંદે માતરમ”એ સમગ્ર દેશને એકતાના સૂત્રે બાંધીને નવી ઊંચાઈ આપી હતી. આ રાષ્ટ્રગીત દેશના રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. સંસ્કૃતિ મંત્રાલયની સૂચના અનુસાર, લોકોમાં રાષ્ટ્રગીત પ્રત્યે ગર્વની ભાવના જાગૃત કરવા અને તેની વ્યાપક પ્રસિધ્ધિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સરકાર દ્વારા “જન-જાતિય ગૌરવ રથયાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા તા. ૭/૧૧/૨૦૨૫થી તા. ૧૩/૧૧/૨૦૨૫ સુધી ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં ચાલશે. રૂટ-૧ અનુસાર ઉમરગામ-વલસાડથી એકતાનગર-નર્મદા સુધી અને રૂટ-૨ અનુસાર અંબાજી-બનાસકાંઠાથી એકતાનગર-નર્મદા સુધીની યાત્રા યોજાશે. અરવલ્લી જિલ્લામાં તા. ૮/૧૧/૨૦૨૫ના રોજ બપોરે ૩:૪૫ કલાકે ભિલોડા ખાતે રથનું આગમન થશે, જ્યાં સ્વાગત અને જનસભા યોજાશે. ત્યારબાદ સાંજે ૬:૦૦ કલાકે શામળાજી પહોંચીને રાત્રી રોકાણ થશે. તા. ૯/૧૧/૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ કલાકે શામળાજીથી પ્રસ્થાન થઈને મેઘરજ ખાતે ૧૦:૧૫ કલાકે સ્વાગત અને જનસભા યોજાશે. પછી મેઘરજથી માલપુર થઈને મહિસાગર જિલ્લાના બાબલીયા ખાતે રથ સુપરત કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન સેવાસેતુ, આરોગ્ય કેમ્પ, યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સ્પર્ધાઓ, રાષ્ટ્રીય-જિલ્લા-તાલુકા કક્ષાના રમતવીરોને પ્રશસ્તિપત્ર, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સ્ટેજ પર લાભ વિતરણ, રૂટના ગામો અને મહાનુભાવોના સ્ટેચ્યુઓની સફાઈ તેમજ શાળાઓમાં પ્રભાતફેરી, યોગાભ્યાસ, ચિત્ર/નિબંધ સ્પર્ધા અને બિરસા મુંડાની પ્રતિમાનું પૂજન-પ્રાર્થના જેવા કાર્યક્રમો યોજાશે.
અરવલ્લી જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના નેતૃત્વ હેઠળ તા. ૪ નવેમ્બર ૨૦૨૫થી તમામ ૩ વિધાનસભા મતવિભાગોમાં હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરી શરૂ થઈ છે. તા. ૪/૧૧/૨૦૨૫થી ૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે એન્યુમરેશન ફોર્મ વિતરણ કરશે અને મતદારોએ તેમાં વિગતો ભરીને જમા કરાવવાના રહેશે. પરત મળેલ ફોર્મની મુસદ્દા મતદારયાદી તા. ૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થશે, જ્યારે પરત ન મળેલ ફોર્મની અલગ યાદી લગાવવામાં આવશે. ચકાસણી, સુનાવણી અને આધાર પુરાવા પછી આખરી મતદારયાદી તા. ૭/૨/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરાશે.આ પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, નાયબ ચૂંટણી અધિકારી, રમતગમત અધિકારી, માહિતી અધિકારી, આદિજાતિ વિભાગના અધિકારી તેમજ અન્ય વિભાગીય અધિકારીઓ અને જિલ્લાના પત્રકાર ઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તમામ કાર્યક્રમો દ્વારા જિલ્લામાં રાષ્ટ્રીય ગૌરવ,આદિજાતિ સન્માન અને લોકશાહી મજબૂતીકરણના પ્રયાસોને વેગ મળશે.





