
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા સાહેબ અને કે.વિ.કે., વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ કે.વિ.કે., વઘઈ દ્વારા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શિવારીમાળ ગામ ખાતે ‘વાંસમાંથી બનતી વિવિધ વસ્તુઓની બનાવટ” (Preparation of Bamboo Products) અંગેની ૭ દિવસીય વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમ (Vocational training) નું આયોજન તા. ૩૧/૧૦/૨૦૨૫ થી તા. ૦૬/૧૧/૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા શ્રી ગૌરાંગ બી. પડસાળા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) એ વાસમાંથી બનતી વિવિધ વસ્તુઓથી મહિલાઓ દ્વારા ગ્રામ્ય સ્તરે રોજગારીની તકોનું નિર્માણ, વાંસમાંથી બનતી વસ્તુઓનું માર્કેટિંગ અને તેનો મહત્તમ ભાવ લેવાની પદ્ધતિ અંગે વ્યાખ્યાયન (Lecture) આપ્યું હતું. તેમજ વાંસના નિષ્ણાંત કારીગર દ્વારા બહેનોને વાંસમાંથી બનતી વિવિધ વસ્તુઓ જેવી કે વાંસની ટોપલી, પેન સ્ટેન્ડ, રમકડા, નાઈટ લેમ્પ, બામ્બુ ટ્રે, બામ્બુ વાટકા, બર્ડ સ્ટેન્ડ, બામ્બુ ટ્રોફી અને રોપા મૂકવા વાસ ના સ્ટેન્ડ વગેરે બનાવવાની તાલીમ પણ આપવામાં આવી હતી. વાંસમાંથી બનતી વિવિધ વસ્તુઓનો ફિલ્મ શો પણ બતાવવામાં આવ્યો હતો. તેમજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે “જન જાતિય વર્ષ પખવાડા” ની ઉજવણી અંતર્ગત મહિલા ખેડૂતોને માહિતી આપી જાગૃત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતિમ ભાગમાં તમામ મહિલાઓએ વાંસમાંથી બનતી વિવિધ વસ્તુઓ બનાવી આર્થિક રીતે સક્ષમ અને પગભર થવા સંકલ્પ લીધો હતો. સદર કાર્યક્રમમાં ૩૩ જેટલી મહિલા ખેડૂતોએ હાજરી નોંધાવી હતી.






