
ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી માં pm મોદી હાજર રહેશે
તાહિર મેમણ – ડેડીયાપાડા – 06/11/2025 – વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 15મી નવેમ્બરના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો પ્રારંભ થશે. આ ભવ્ય ઉજવણીના લોન્ચિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરૂઆત થાય તેવું આયોજન ગોઠવાઈ રહ્યું છે. રાષ્ટ્રીય એકતા પરેડ બાદ તરત જ પીએમની આ વિઝીટના કારણે સરકારી અધિકારીઓમાં ફરી એકવાર ધમધમાટ શરૂ થયો છે.
પીએમ મોદીના આગમનને પગલે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. હાલમાં સભાસ્થળ માટે મોટું મેદાન અને હેલિકોપ્ટર માટે હેલિપેડ તૈયાર કરવા માટે તંત્ર કામે લાગ્યું છે, જોકે મેદાન હજુ ફાઇનલ થયું નથી.જિલ્લા કલેક્ટરે વિવિધ ટીમો બનાવીને અધિકારીઓને કામગીરી સોંપવા માટેની બેઠકો શરૂ કરી દીધી છે. આ કાર્યક્રમમાં આદિવાસી રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે.
બિરસા મુંડાએ અંગ્રેજો સામે લડત આપી હતી અને આદિવાસી સમાજ તેમને ભગવાન માનીને પૂજે છે. આ વર્ષે 150મી જન્મજયંતી હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આખો એક મહિનો વિવિધ કાર્યક્રમો કરીને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.




