ઔદ્યોગિક સલામતી પર ભાર, કલરટેક્સ વિલાયત ખાતે સેફટી ઓફિસરો માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન



સમીર પટેલ, ભરૂચ
વિલાયત GIDC ખાતે આવેલ કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.માં તારીખ 06-11-2025, ગુરુવારના રોજ ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ, ભરૂચ કચેરી દ્વારા એક મહત્ત્વપૂર્ણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિલાયત, દહેજ, પાલેજ, જંબુસર અને સાયખા GIDCના ઔદ્યોગિક એકમોના સલામતી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગના નાયબ નિયામક ડી.બી. ગામીત, મદદનીશ નિયામક વિમલ હળવડીયા અને અધિકારી આશુતોષ મેરૈયાએ ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ ઉદ્યોગોમાં અકસ્માત અને ઇજાઓ થતા અટકાવવા માટેની સાવધાનીઓ વિશે માહિતગાર કરવાનો હતો, જેમાં ખાસ કરીને શિયાળાની ઋતુમાં સ્ટેટિક ચાર્જથી થતા આગ-અકસ્માત રોકવા માટે લેવાના જરૂરી પગલાંઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ નાયબ નિયામક ડી.કે. દવે સાહેબે વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક સમજણ આપી હતી, જ્યારે ડી.બી. ગામીતે છેલ્લા વર્ષ દરમિયાન થયેલા અકસ્માત અને જાનહાનીનું વિગતવાર પૃથક્કરણ રજૂ કર્યું હતું. સાયખા અને વિલાયતના ઉદ્યોગકારોએ ઔદ્યોગિક સ્વાસ્થ્ય, સલામતી અને પર્યાવરણીય સુરક્ષા માટે ઉચ્ચ માપદંડ અપનાવવાની બાંયધરી આપી હતી. આ પ્રસંગે વિલાયત અને સાયખા એસોસિએશનના હોદ્દેદારો તેમજ અન્ય ઉદ્યોગ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




