બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલા તબક્કામાં 64.46% બમ્પર વોટિંગે તોડ્યા તમામ રેકોર્ડ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલા તબક્કા માટે 121 બેઠકો પર મતદાન ગુરુવારે(6 નવેમ્બર) યોજાયું હતું. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવી દાવ પર છે.
તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
બિહારમાં પહેલા તબક્કાનું મતદાન અત્યાર સુધીમાં 64.46 ટકા થયું છે. પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચે માહિતી આપી કે પહેલા તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન થયું. હજુ સુધી 64.46 ટકા મતદાન થયું છે.
બિહાર વિધાનસભાના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી. વડાપ્રધાન મોદીએ પોસ્ટ કરીને કહ્યું કે, બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં પહેલા તબક્કાના મતદાનમાં NDAએ ભારે લીડ મેળવી છે. તેની સાથે જ બીજા તબક્કામાં પણ દરેક તરફ તેની લહેર નજરે આવી રહી છે. જનતામાં આ જોશ વચ્ચે કાલે બપોરે અંદાજિત 1:45 વાગ્યે ઔરંગાબાદ અને લગભગ 3:30 વાગ્યે ભભુઆમાં પોતાના પરિવારજનો સાથે વાતચીતનું સૌભાગ્ય મળશે.




