ભરૂચ: કાશીમા હોસ્પિટલમાં આરોગ્ય સંબંધિત અનેક ગંભીર ખામીઓ સામે આવી

સમીર પટેલ, ભરૂચ
ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓમાં વધી રહેલી ગેરરીતિઓ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ લાભ લઈ રહેલી કેટલીક ખાનગી હોસ્પિટલો ગેરરીતિઓમાં સંકળાયેલી હોવાની ચોક્કસ માહિતી મળતાં વિભાગે અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું.
તપાસ દરમિયાન ભરૂચ શહેરની કાશીમા હોસ્પિટલમાં આરોગ્ય સંબંધિત અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી.હોસ્પિટલમાં ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ હાજર ન હોવાનું, દર્દીઓને સારવાર આપતા કર્મચારીઓ પાસે જરૂરી ટેક્નિકલ લાયકાત ન હોવાનું જાણવા મળ્યું હતું.વધુમાં હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ, બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન સહિતની ફરજિયાત મંજૂરીઓ પણ ઉપલબ્ધ ન હતી.
આ ઉપરાંત,હોસ્પિટલ એક રહેણાંક બંગલામાંથી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનું બહાર આવ્યું હતું.આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈને કાશીમા હોસ્પિટલનું PMJAY હેઠળનું એમ્પેનલમેન્ટ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
માહિતી મુજબ,સ્ટેશન રોડ પર ઠાકોર રેસ્ટોરન્ટની ગલીમાં આવેલી આ હોસ્પિટલ લાંબા સમયથી ચાલતી હોવા છતાં નિયમિત તપાસ હાથ ધરવામાં આવી ન હતી,જેના કારણે ગેરરીતિઓ ચાલુ રહી હતી.આ કાર્યવાહી બાદ જિલ્લામાં ની અન્ય ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં ચકચાર મચી ગઈ છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગેરરીતિ કરતી અન્ય સંસ્થાઓ સામે પણ તબક્કાવાર કડક પગલા લેવામાં આવશે.
વધુમાં આજે ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગના અધિકારીઓએ પણ સ્થળ મુલાકાત લઈને ફાયર સેફટી સાધનોની પણ ચકાસણી કરી હતી.આ અંગે હેડ ફાયર ઓફિસર શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું કે, આજ રોજ અમારા દ્વારા ઇન્સ્પેશન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં હોસ્પિટલમની બિલ્ડિંગની ઊંચાઈ 9 મીટર કરતાં ઓછી અને 500 સ્ક્વેર મીટરનો એરિયા ધરાવતી ન હોય તેને એનઓસી લેવાની જરુર નથી.પરતુ ફાયર સિસ્ટમ તેના અનુરૂમ ન હોય તેમને નોટિસ આપી સેલ્ફ ડિકલેરેશન આપવાનું જણાવ્યું છે.




