ભરૂચ: કરગટ ગામમાં તળાવ બ્યુટિફિકેશનના નામે થઈ રહેલા ખોદકામ સામે ઓડ સમાજે વિરોધ નોંધાવ્યો, પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના કરગટ ગામે તળાવ બ્યુટિફિકેશનના નામે થતી માટી ખોદકામની કામગીરી સામે સ્થાનિક ઓડ સમાજે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. સમાજના સભ્યોએ આ કાર્યવાહી અટકાવી જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની પગલા લેવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, ઓડ સમાજના લોકો બાપદાદાના સમયથી કરગટ ગામમાં વસે છે અને તેમની પરંપરા અનુસાર સ્વર્ગસ્થ સ્વજનોને ગામના તળાવની જમીનમાં દફનાવવામાં આવે છે. હાલ પંચાયત કમિટીએ તળાવના બ્યુટિફિકેશનના બહાને નાણાકીય લાભ માટે માટી ખોદાણનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ ખોદકામ દરમિયાન જેસીબી મશીનો દ્વારા સમાજના સ્મશાન વિસ્તારમાં માટી ઉપાડાતા, મૃતકોના હાડપિંજરો બહાર આવી ટ્રકોમાં ભરાઈ અન્યત્ર લઈ જવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. સમાજના આગેવાનોએ આ ઘટનાને માનવતાના નામે કલંક ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરી ખોદકામ બંધ કરાવવાની તેમજ સ્મશાન જમીન ઓડ સમાજના નામે જાહેર કરવાની માંગણી કરી છે.




