
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ઠેરઠેર રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિતે સામુહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા
જિલ્લા સેવાસદન, મોડાસા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોરના અધ્યક્ષસ્થાને વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી કરવામાં આવી
આપણા રાષ્ટ્ર ગીત વંદે માતરમ લખાયાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તથા જન માનસમાં તેની બહોળી પ્રસિદ્ધિ થાય તેવા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વંદે માતરમ@૧૫૦ અન્વયે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે જિલ્લામાં જિલ્લા સેવાસદન, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, સહિત વિવિધ સરકારી કચેરીઓ, શાળા-કોલેજો અને સહકારી સંગઠનો દ્વારા માં રાષ્ટ્ર ગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરવાનું આયોજન કરવામાં આવ્યું.
વર્ષ ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘‘વંદે માતરમ’’એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા. ૭મી નવેમ્બર ૨૦૨૫ના રોજ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગૌરવંતા ક્ષણની ઉજવણી નિમિતે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. તેમજ દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્વદેશી અપનાવવાના શપથ લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, “વંદે માતરમ્” એ માત્ર એક રાષ્ટ્રગીત નહીં પરંતુ ભારત માતાની આરાધના સમાન એક અદ્વિતીય પ્રાર્થના તથા રાષ્ટ્રના હૃદયનો ધબકાર છે. આ ગીતના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાના સાહિત્ય દ્વારા જે રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર ડી.વી.મકવાણા , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સહિત સર્વે અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.






