Rajkot: “રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ” નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો

તા.7/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત એન.સી.ડી. સેલ દ્વારા “રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ” દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાભરમાં વ્યાપક પ્રમાણમાં કેન્સર રોગ અંગે લોકોમાં જાગૃતિ આવે, તે માટે કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે કેન્સર સંબધિત ૨૨૭ જેટલા જાગૃતિ સત્રો યોજાયા હતા, જેમાં ૪૧૯૩ લોકો સામેલ થયા હતા. જિલ્લામાં ૨૦૫ સ્થળો પર વિનામૂલ્યે યોજાયેલા કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનો કુલ ૩૦૩૯ લોકોએ લાભ લીધો હતો. મહીલાઓમાં ગર્ભાશયના કેન્સરના કુલ ૮૨૧ અને બ્રેસ્ટ કેન્સરના ૧૧૦૮ કેસીઝનુ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ગર્ભાશયના મુખના કેન્સરના ૧૭૧૨ કેસોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
આ અભિયાનના ભાગરૂપે સમગ્ર જિલ્લાના તમામ આરોગ્ય પેટા કેન્દ્રો (AAM), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પેટા જિલ્લા હોસ્પિટલો (SDH) ખાતે પણ આરોગ્ય સંબધિત જાગૃતિ અને સ્ક્રિનિંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઇ સ્વસ્થ જીવનશૈલી અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત, જન જાગ્રુતિ કાર્યક્રમો, આઇ.ઈ.સી. પત્રિકાઓનું વિતરણ, ગુરૂ શિબિર, લઘુ શિબિર, જાહેર સ્થળો, આરોગ્ય કેન્દ્ર વગેરે ખાતે કેન્સર જાગૃતિ અંગે પ્રદર્શનો રાખાવામાં આવ્યા હતા.
કેન્સર જન જાગૃતિ રેલીઓ યોજાઈ હતી. સોશિયલ મીડીયામાં પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર.ફુલમાલીના માર્ગદર્શન હેઠળ સમયાંતરે આરોગ્યલક્ષી બેઠકો યોજી આરોગ્ય સંબધિત વિવિધ કામગીરી સુપેરે પાર પાડવામાં આવે છે.







