NAVSARINAVSARI CITY / TALUKO

જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના ખેરગામ ખાતે જનજાતિય ગૌરવ રથનુ ભવ્ય સ્વાગત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત જનજાતિય ગૌરવ રથના સ્વાગતમા સહભાગી થયા*

*મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી જનજાતિય ગૌરવયાત્રાને પ્રસ્થાન કરાવી*

*આજની પેઢી આપણા ભવ્ય ઇતિહાસનો ગર્વ લે તથા ભગવાન બિરસા મુંડાજીના જીવનમાથી બોધ લઇ દેશભક્તિનો ગુણ અપનાવવા આહવાન કરતા આદિવિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ*

દેશના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની શ્રી ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવરથ પહોંચનાર છે. જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ગતરોજ વલસાડથી શરૂ થયેલી જનજાતિય ગૌરવ યાત્રા આજરોજ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બિરસા મુંડા સર્કલ આવી પહોચતા નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, ડાંગ ધારાસભ્યશ્રી વિજયભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.

કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલેએ પ્રાસંગિક ઉબ્દોધન કરતા જણાવ્યું હતું કે, આઝાદી માટે શહિદીને વરેલા અનેક દેશભક્તોમાં આદિવાસી સમાના મસીહા ભગવાન બિરસા મુંડાજીએ પણ પોતાનું જીવન અર્પણ કર્યું છે. ત્યારે આજની પેઢી આપણા ભવ્ય ઇતિહાસનો ગર્વ લે તથા ભગવાન બિરસા મુંડાજીના જીવનમાથી બોધ લઇ દેશભક્તિનો ગુણ અપનાવવા આહવાન કર્યું હતું. આ સાથે તેમણે હાલ સમગ્ર ગુજરાતમા સાત દિવસ માટે જનજાતિય ગૌરવયાત્રાના આયોજન અંગે જણાવી સૌને તમામ ઉજવણીમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

સાંસદ ધવલભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં આદિવાસી સમાજ મોખરે હતો. આદિવાસી સમાજને ગૌરવ અપાવવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ભગવાન બિરસામુંડાની જન્મજયંતિને જનજાતિય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે એમ જણાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિજય પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે ત્યારે તેઓ ફક્ત આદિવાસી સમાજ નહિ તમામ સમાજના નાગરીકો માટે પ્રેરણાસ્ત્રોત હતા. વધુમા તેમણે સરકારશ્રી દ્વારા આદિવાસી સમાજ અન્ય સમાજની જેમ જ અગ્રહરોળમાં આવે તે માટે અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓ અંગે સૌને અવગત કર્યા હતા.

પ્રાયોજના વહિવટદારશ્રી પ્રણવ વિજ્યવર્ગિય દ્વારા સ્વાગત પ્રવચન થકી ભગવાન બિરસા મુંડાનો જીવન પરિચય તથા આદિવાસી સમાજના આઝાદીની ચળવળમાં આપેલ યોગદાન વિશે સૌને માહિતગાર કર્યા હતા. આ સાથે જનજાતિય યાત્રા અંગે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ આયોજન અંગ જાણકારી આપી હતી.

આ પ્રસંગે ખેરગામના બીરસા મુંડા સર્કલ સ્થિત ભગવાન બીરસા મુંડાની પ્રતિમાને ફુલમાળા અર્પણ કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ‘જય આદિવાસી’, ‘જય જોહાર’ ‘જય બિરસા મુંડા’ના જયઘોષ બોલાવ્યા હતા. આ સાથે જનજાતિય ગૌરવ યાત્રાના રથને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ લીલી ઝંડી આપી આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમના અંતે ગૌરવ રથ સાથે સ્થાનિક વાહનો યાત્રામાં સહભાગી થતા યાત્રાએ ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!