NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે જનજાતિય ગૌરવ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ તા.૧૫મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. આ ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના જ્ઞાનકિરણ ધોડિયા સમાજવાડી, સુરખાઈ ખાતે આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા રમત ગમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત સહિત સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, પ્રાયોજના વહિવટદારશ્રી પ્રણવ વિજ્યવર્ગિયની ઉપસ્થિતીમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, 21 વર્ષ જેટલી નાની ઉંમરે દેશ માટે પોતાનુ જીવન અર્પણ કરનાર અને સમગ્ર આદિવાસી સમાજના મહાવિભુતિ એવા ભગવાન બિરસા મુંડા અંગે સમગ્ર દેશ ગર્વ લે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી 15મી નવેમ્બરને જનજાતિય દિવસ અને આ વર્ષને જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, આદિવાસી સમાજના શૂરવીરોને યાદ નહી કરીએ તો આપણો ગૌરવવંતો ઇતિહાસ ભુતકાળ થઇ જશે. મંત્રીશ્રીએ વર્તમાન સરકાર આદિવાસી સમાજને આગળ લાવવા અનેકવિધ યોજનાઓ અમલમા મુકી છે એમ જણાવી તેમણે ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનો ભણતર મેળવી સમાજને નવી દિશા પ્રદાન કરે તે માટે દેશની સૌ પ્રથમ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના અંગે સૌને અવગત કર્યા હતા.
રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી ડૉ.જયરામભાઇ ગામીતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે આદિવાસી સમાજ માટે અનેક યોજનાઓ ઘડી છે જેના અંગે આપણે સૌએ અવગત થવાની સાથે સાથે આપણી પરંપરા અને સંસ્કૃતિ ટકાવી રાખવીની જરૂર છે. તેમણે વધુમા ઉમેર્યું કે, આગામી વર્ષોમાં ભારતને વિકસીત બનાવવાનો છે ત્યારે આદિવાસી સમાજનું સક્રિય યોગદાન પણ મહત્વનુ સાબિત થશે. અંતે તેમણે સ્વદેશી અભિયાન અંતર્ગત સ્થાનિક ચિજવસ્તુઓ જ ખરીદવા ભારપુર્વક આગ્રહ કર્યો હતો.
સાંસદ ધવલભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા સરકારશ્રીની વિવિધ યોજનાઓ, સાયન્સ કોલેજ, વિજળી, પાણી, આદિવાસી મંત્રાલય, અને બજેટમા આદિવાસી વિસ્તારના વિકાસ માટે ફાળવવામાં આવેલ કરોડોના બજેટ વિશે ઉલ્લેખ કરી સૌને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ડાંગ ધારાસભ્ય વિજય પટેલ પ્રાસંગિક ઉદ્બોધન કરતા સમારંભમા ઉપસ્થિત સૌ નાગરિકોને આપણે આદિવાસી સમાજમાં જન્મ લીધો છે એમ ગર્વ લેવા આહ્વાન કર્યું હતું.કાર્યક્રમમા મહાનુભાવોના વરદ હસ્તે આદિવાસી સમાજના તેજ્સ્વી તારલાઓ, અગ્રણીઓ, તથા વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ સાથે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભગવાન બિરસા મુંડાના જીવન અંગે લઘુ ફિલ્મ સૌએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે જનજાતિય ગૌરવ યાત્રાના રથને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ લીલી ઝંડી આપી સુરત જિલ્લાના અનાવલ ખાતે જવા પ્રસ્થાન કરાવ્યું હતું.
નોંધનિય છે કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા.૭ થી ૧૩ નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રા કરશે જેમાં રૂટ નં-૧ ઉમરગામથી એકતાનગર સુધી ૬૬૫ કિમી અને રૂટ નં-૨ અંબાજીથી એકતાનગર સુધી ૭૧૩ કિમી એમ કુલ ૧,૩૭૮ કિ.મી.માં આદિજાતિ વિસ્તારને આવરી લઈ ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૧૪ જિલ્લાઓના ૮૮ જેટલા ગામોમાં વિવિધ રૂટ વાઇઝ આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાના રૂટ ઉપર તેમજ ખાસ કરીને રાત્રિ રોકાણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ તેમજ આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીને નાટક, સભાઓ, સંવાદ, વકતૃત્વ સ્પર્ધાઓ જેવા વિવિધ માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ  કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!