બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે શહેરામાં પર્યાવરણ જાગૃતિ અને કિસાન શિબિરનું આયોજન

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા: શહેરા વન વિભાગ (નોર્મલ) રેન્જ દ્વારા લોક કલ્યાણ અને પર્યાવરણ સુરક્ષાના હેતુથી પ્રભુ બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મજયંતિને ‘જનજાગૃતિ અભિયાન’ અને ‘ગૌરવ વર્ષ’ નિમિત્તે ઉજવતા શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અને કિસાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરા રેન્જ કાર્યક્ષેત્રમાં આવતી સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ દ્વારા આ આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વન્યજીવન સંરક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાનો હતો, જેમાં શહેરા તાલુકાના સહભાગી વન વ્યવસ્થા મંડળી ના પ્રમુખ શ્રી અને મંત્રી શ્રી તથા સભ્યો સાથે હાજર રહ્યા હતાં
*વનોનું રક્ષણ અને સલામતી પર માર્ગદર્શન*
કાર્યક્રમના પ્રારંભમાં શહેરાના RFO શ્રી આર.વી. પટેલ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને વનોનું મહત્વ સમજાવીને તેના રક્ષણ અને જતન કરવા બાબતે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ત્યારબાદ, ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી શહેરાના પ્રતિનિધિ શ્રી મનજીત વિશ્વકર્મા દ્વારા અગત્યનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ઔદ્યોગિક અને સામાન્ય ફાયર સેફ્ટીના નિયમો અને પર્યાવરણની સુરક્ષામાં સેફ્ટીના મહત્વ વિશે માહિતી આપી હતી.
આ ઉપરાંત, કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ (વન્યજીવ બચાવ)ની પદ્ધતિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. વન્યજીવન સંરક્ષણ માટે વધુ જનજાગૃતિ ફેલાય અને લોકો તેમાં સહયોગ આપે તે હેતુથી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
મહાનુભાવોની હાજરી
આ મહત્વના કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શહેરા RFO શ્રી આર.વી. પટેલ, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ, શહેરા તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ શ્રી મગનલાલ પટેલિયા, ડિઝાસ્ટમેન્ટના શ્રી મનજીત વિશ્વકર્મા, તેમજ શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ રાઠોડ સાહેબનો સમાવેશ થાય છે.
સમગ્ર કાર્યક્રમ થકી શહેરા વન વિભાગે પ્રકૃતિ પ્રેમી બિરસા મુંડાજીને શ્રદ્ધાંજલિ આપીને પર્યાવરણ જાગૃતિનો સુંદર સંદેશ સમાજમાં ફેલાવ્યો હતો.






