
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગરીબ આદિવાસી ખેડૂતોની મહેનતની કમાણી પર લેભાગુ સંસ્થાએ હાથ ફેરો કર્યો છે.’જેરીકો યુનિવર્સલ વર્લ્ડ’ નામની એક કથિત સંસ્થાએ સરકારી સબસીડી અને ખેતીના સાધનોની લાલચ આપી આહવા ખાતે ઓફિસ ખોલી ખેડૂતો પાસેથી નાણા ઉઘરાવ્યા બાદ શટર પાડી ગાયબ થઈ જતા ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા વ્યાપી છે. આ સમગ્ર મામલે આહવા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા, જ્યાં કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી અને જિલ્લા પોલીસ વડાની કચેરી સહીત ખેતીવાડી,બાગાયત અને આત્મા કચેરી જેવી મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ આવેલી છે, તે જ સ્થળે ગરીબ અને ભોળા આદિવાસી ખેડૂતોને વિશ્વાસમાં લઈને ઠગવાનો એક નવો અને ચોંકાવનારો ધંધો સામે આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરમાં જ “જેરીકો યુનિવર્સલ વર્લ્ડ” નામની એક સંસ્થાએ આહવા ખાતે એક ખાનગી દુકાનમાં ધમધમતી ઓફિસ ખોલી હતી.આ સંસ્થાએ ડાંગના આદિવાસી ખેડૂતોને ખેતીવાડીમાં ઉપયોગી મશીનરી, બિયારણ અને અન્ય સાધનો પર સરકારી સબસીડી અને સહાય આપવાની લાલચ આપી હતી.આ લેભાગુ સંસ્થાએ ખેડૂતોના વિશ્વાસને જીતવા માટે એક સ્થાનિક વ્યક્તિને ‘સુપરવાઇઝર’ તરીકે પણ નિયુક્ત કર્યો હતો.મોટી સબસીડી મળશે એવી ખાતરી આપીને, ખેડૂતો પાસેથી અરજી ફી અથવા અન્ય ચાર્જના નામે રસીદ આપીને રોકડી રકમ વસૂલ કરવામાં આવી હતી.રાહત દરે ખેતીના સાધનો મળવાની આશામાં, ડાંગના ગરીબ આદિવાસી ખેડૂતોએ ઉછીના લઈને કે પછી મહેનત-મજૂરી કરીને મેળવેલા પૈસા આ સંસ્થાને જમા કરાવ્યા હતા.નાણાં વસૂલ કર્યા બાદ થોડા જ સમયમાં, આ લેભાગુ સંસ્થાએ એકાએક પોતાની ઓફિસનું શટર પાડી દીધું હતુ. ખેડૂતોને કોઈપણ પ્રકારની સહાય, સબસીડી કે મશીનરી આપવામાં આવી નથી. જ્યારે ખેડૂતોએ સંસ્થાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે બંધ જણાયો, અને જવાબદાર સંચાલકો તેમજ સુપરવાઇઝર પણ ગુમ થઈ ગયા છે. હવે ખેડૂતોને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં તેઓ રોવાનો વારો આવ્યો છે.આ ઘટનાએ વહીવટી તંત્રની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. જ્યાં જિલ્લાનું સમગ્ર તંત્ર સજ્જ છે, ત્યાં આહવા જેવા મુખ્ય મથકમાં જ આ પ્રકારે એક લેભાગુ સંસ્થા સબસીડીના નામે નિર્દોષ ખેડૂતોને છેતરવાનો ધંધો શરૂ કરે તે ચોંકાવનારી બાબત કહી શકાય એમ છે. જેથી તાત્કાલિક ધોરણે સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવે તથા સંસ્થાના તમામ દસ્તાવેજો અને બેંક ટ્રાન્ઝેક્શન્સની ચકાસણી કરવામાં આવે અને જવાબદાર લેભાગુ સંચાલકો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.આ સમગ્ર મામલે ડાંગના ખેડૂતોએ આહવા પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે.આ ઘટના ખેતીવાડી અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ તંત્ર માટે એક ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. તંત્રએ આદિવાસી ખેડૂતોના વિશ્વાસનું રક્ષણ કરવા માટે આ મામલાને ગંભીરતાથી લઈને ભવિષ્યમાં આવા કૌભાંડો ન થાય તે માટે નક્કર પગલાં ભરવા જરૂરી છે.હવે જોવાનું એ રહ્યું કે, ગરીબ આદિવાસી ખેડૂતોને છેતરનારા આ લેભાગુ સંસ્થાના કૌભાંડીઓ સામે તંત્ર કડક પગલાં ભરીને તેમને ન્યાય અપાવે છે કે કેમ તે આવનાર સમય જ બતાવશે..





