નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત “પુસ્તક મેળોનો લોકાર્પણ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે કરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા પુસ્તક, જ્ઞાન અને વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર “પુસ્તક મેળો ૨૦૨૫” નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું લોકાર્પણ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીના હસ્તે દિનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લુંસીકુઇ ખાતે શરૂ કરવામાં આવ્યું છે.
આ પુસ્તક મેળો ૭ નવેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી દરરોજ સવારે ૧૧ વાગ્યેથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. મેળામાં વિવિધ પ્રકાશકો, લેખકો તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અનેક વિષયો પરના પુસ્તકો પ્રદર્શન અને વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ એ જણાવ્યું કે વાંચન એ જ્ઞાનનો મૂળ સ્ત્રોત છે અને આવું આયોજન શહેરમાં બુદ્ધિપ્રધાન વાતાવરણ નિર્માણમાં સહાયરૂપ બને છે. આ પ્રસંગે નગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી એ પણ જણાવ્યું કે પુસ્તકો આપણું વ્યક્તિત્વ ઘડે છે અને નવી પેઢીમાં વાંચનની ટેવ વધારવી સમયની માંગ છે. આ પ્રસંગે મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી અને મેળાની મુલાકાત લીધી.





