કૃષિ મહાવિદ્યાલય થરાદ ખાતે સ્વાવલંબન તેમજ પર્યાવરણપ્રેમી વિચારધારા સંવર્ધન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
કૃષિ મહાવિદ્યાલય, સ.દા. કૃષિ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને રાષ્ટ્રીય કેડેટ કૉર્પ્સ (NCC) વિભાગના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં સ્વાવલંબન અને પર્યાવરણપ્રેમી વિચારધારાનું સંવર્ધન કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના ફાર્મ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ જુદા જુદા પ્રકારની ઓર્ગેનિક સાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓને સ્વસ્થ ખોરાક મળી રહે અને સાથે સાથે ઓર્ગેનિક ખેતીના મહત્વની સમજણ મળે.
આ પ્રસંગે ડો. ભાવેશભાઈ ચૌધરી તથા ડો. જ્યોત્સનાબેન દ્વારા ઓર્ગેનિક ખેતીનું મહત્વ અને આરોગ્ય પર તેનું પ્રભાવ વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ડો. શ્યામલભાઈ અને ડો. અશોકભાઈ દ્વારા સાકભાજી વાવેતરની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે વિગતવાર સમજણ અપાઈ હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના પ્રોગ્રામ ઓફિસર ડો. સુનિલભાઈ જોષી તથા NCC અધિકારીના સહયોગથી આચાર્ય શ્રી ડો. આર.એલ. મીના સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં NSS અને NCCના કુલ 100 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં વિદ્યાર્થીઓએ જાતે વાવેતરનું કામ કરીને પ્રાયોગિક અનુભવ મેળવ્યો હતો. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ તથા સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે રસ જાગ્રત થયો હતો.




