રાજ્યભરમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ નલિયા 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યભરમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગના શહેરોમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જોકે, દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં તાપમાનમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો હતો. કચ્છના ચાર મથકો પર મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધઘટનો દોર યથાવત્ રહ્યો છે.
કચ્છમાં ઠંડી અને ગરમીનો વિચિત્ર સંગમ આંકડા મુજબ નલિયા 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું. જોકે, નલિયામાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રીએ યથાવત રહેતા દિવસે ગરમી અને રાત્રે તીવ્ર ઠંડકનો અનુભવ થયો હતો.
બીજી તરફ ભુજ 34.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું પ્રથમ નંબરનું સૌથી ગરમ મથક બન્યું હતું. ભુજમાં લઘુતમ તાપમાન એક ડિગ્રી ઘટીને 18.8 ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ વધુ રહેવાને કારણે મોડી રાત્રે ફુલ ગુલાબી ઠંડી અનુભવાઈ હતી. અન્ય મથકોમાં કંડલા એરપોર્ટનું ન્યુનત્તમ તાપમાન 17 ડિગ્રી અને કંડલા પોર્ટનું 20.5 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. મોટાભાગના જિલ્લાઓમાં આવનારા દિવસોમાં લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાનો અંદાજ છે.





