
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, MY Bharat દ્વારા દેશભરમાં ‘વિકસિત ભારત’ પદયાત્રાઓનું આયોજન કરાઈ રહ્યું છે. દેશના યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ જાગે, સામાજિક જવાબદારીઓને પ્રોત્સાહન મળે, અને દેશની એકતા તથા અખંડિતતાની ભાવનાને વધુ બળવત્તર બનાવવાના હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનભાગીદારી દ્વારા રાષ્ટ્રનિર્માણના વિઝનથી પ્રેરિત છે.
આ કાર્યક્રમમા યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ દેશના ઇતિહાસને યાદ કરી અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન અર્પવા માટે એકઠા થઈ અમૃત પેઢી, એટલે કે આજના યુવાનોની ભૂમિકા સુનિશ્ચિત કરવા પર લક્ષ કેન્દ્રિત કરી રહ્યા છે. આ પહેલના ભાગરૂપે મંત્રાલય દ્વારા તા.૬ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ *સરદાર@150 : યુનિટી માર્ચ* શરૂ કરી છે. જે ભારત સરકાર અને માય ભારતની પહેલ છે. જે ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને સમર્પિત છે. તેમ વલસાડ, ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે ડાંગ જિલ્લાના વઘઈ ખાતે પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું.
વઘઈ સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજિત *પ્રેસ મિટ* મા આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા સાંસદશ્રીએ આ માર્ચ સરદાર પટેલે કેવી રીતે ખંડિત ભારતને એક ભારતમાં પરિવર્તિત કર્યું તેની ભાવનાને આગળ ધપાવશે તેમ કહ્યું હતું. આ અભિયાન યુવાનોને એકતા અને આત્મનિર્ભર ભારતના આદર્શોને સ્વીકારવા માટે પ્રેરણા આપશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપતા શ્રી ધવલભાઈ પટેલે આ ઝુંબેશ ગત તા.૬ ઓક્ટોબરના રોજ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ડિજિટલી લોન્ચ કરવામાં આવી હતી તેમ જણાવી, તબક્કામાં સોશિયલ મીડિયા રીલ સ્પર્ધા, નિબંધ લેખન, ક્વિઝ અને સરદાર 150 યંગ લીડર્સ પ્રોગ્રામનો સમાવેશ કરાયો હોવાની જાણકારી આપી હતી. યાત્રાના ઝુંબેશના તબક્કાઓ જોઈએ તો (૧) જિલ્લા કક્ષાની પદયાત્રાઓ : 31 ઓક્ટોબરથી 25 નવેમ્બર 2025 દરમિયાન આયોજિત કરવામાં આવી છે. જેમા દરેક સંસદીય મતવિસ્તારના તમામ જિલ્લાઓમાં 3 દિવસ માટે 8 થી 10 કિમી લાંબી પદયાત્રાઓ યોજાશે. તે અગાઉ પદયાત્રા પહેલા આરોગ્ય શિબિરો, વ્યાખ્યાન, ચર્ચાઓ અને વ્યસન મુક્ત ભારત માટેના શપથ ગ્રહણના કાર્યક્રમો યોજાશે. સાથે સાથે પદયાત્રા દરમિયાન સરદાર પટેલની પ્રતિમા/ચિત્ર પાસે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રમાણપત્રોનું વિતરણ પણ થશે. રાષ્ટ્રીય પદયાત્રા તા.26 નવેમ્બર થી 6 ડિસેમ્બર 2025 સુધી યોજાશે. 152 લાંબી આ પદયાત્રા કરમસદ (સરદાર સાહેબના જન્મસ્થળથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી લઈ જવામાં આવશે. જેના રૂટ પરના ગામડાઓમાં સામાજિક વિકાસ કાર્યક્રમો પણ યોજાશે. જેમાં માય ભારત, એન.એસ.એસ. અને યુવા નેતાઓ ભાગ લેશે. સરદાર પટેલના જીવન અને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિની ઉજવણી 150 મુકામ પર કરવામાં આવશે. જેમાં 150 યુવા નેતાઓ માનનીય કેન્દ્રીય મંત્રી સાથે કદમતાલ કરશે. દરમિયાન દરરોજ સાંજે સરદાર ગાથા થશે. જેમાં સરદાર પટેલના જીવન અને યોગદાનની વાર્તાઓ કહેવામાં આવશે. આ બધા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓની નોંધણી MY Bharat પોર્ટલ https://mybharat.gov.in પર થઈ રહી છે. દેશભરના યુવાનોને આ ઐતિહાસિક પહેલમાં જોડાવા અને સક્રિયપણે ભાગ લેવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલે મીડિયાના માધ્યમથી અપીલ કરી છે. સાંસદશ્રીની આ પ્રેસ વાર્તામાં ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી વ રાજ્ય રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતે પણ યાત્રાની પૂરક વિગતો આપી હતી. આ અવસરે ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી નિર્મળાબેન ગાવિત, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, યાત્રા સંયોજક શ્રી હરિરામ સાવંત અને આઝાદસિંહ બધેલ, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય માય ભારત વિભાગ, ડાંગના નાયબ નિયામક શ્રી પંકજ યાદવ તથા યાત્રા/કાર્યક્રમ સુપરવાઈઝર શ્રી ચંદ્રકાંત બક્ષી એ ઉપસ્થિત રહી કાર્યવ્યવસ્થા સંભાળી હતી.






