વલસાડ જિલ્લામાં પાંચ સ્થળે મેદસ્વિતા નિવારણ કેમ્પ તા.૧૦ નવે.થી ૧૧ ડિસે એક માસની શિબિર યોજાશે

વાત્સલ્યમ સમાચાર
વલસાડ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં યોજાયેલી એક માસની યોગ શિબિરને ભવ્ય સફળતા મળ્યા બાદ બીજા તબક્કામાં પાંચ સ્થળોએ મેદસ્વિતા નિવારણ યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વલસાડ તાલુકાના કોસંબા ગામમાં રિલાયન્સ હોલ ખાતે સવારે ૬:૩૦ થી ૮, અબ્રામા તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે ૬ થી ૮, પારડી તાલુકાના લક્ષ્મી ઉધાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સવારે ૬ થી ૭:૩૦, વાપીના ગુંજન ખાતે અંબામાતા મંદિર હોલમાં સવારે ૬ થી ૭:૩૦ અને વાપીના ડુંગરામાં હરિયા પાર્ક ખાતે અંબામાતા
મંદિર ગ્રાઉન્ડ પર સવારે ૬ થી ૭:૩૦ સુધી યોગ શિબિરનો પ્રારંભ કરાતા પ્રથમ દિવસથી જ સ્વાસ્થ્ય પ્રેમીઓ ઉમટ્યા હતા.
એક માસ સુધી ચાલનારી આ પાંચ શિબિરનું સંપૂર્ણ સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલ રાજપુતજીના કુશળ નેતૃત્વ હેઠળ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શનમાં વલસાડ જિલ્લા યોગ બોર્ડની ટીમ કરી રહી છે. રાજ્ય સરકારના “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ના સપનાને સાકાર કરવા આ યોગ શિબિર બળ પુરૂ પાડશે.
વલસાડ જિલ્લામાં વધુમાં વધુ લોકોને આ શિબિરનો લાભ મળે એ માટે બીજા તબક્કામાં શિબિરની સંખ્યા બે થી વધારીને પાંચ સ્થળે કરવામાં આવી છે જેનું સંચાલન વલસાડ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવ કરી રહ્યા છે. આ શિબિરમાં લાભાર્થીઓ રજીસ્ટ્રેશન કરી જોડાઈ રહ્યા છે. આ શિબિરમાં જોડાવા ઈચ્છતા લોકો મોબાઈલ નંબર 9998213149 પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરી આ શિબિરનો લાભ લઈ શકે છે એવું વલસાડ જિલ્લા યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવે અખબારી યાદીમાં જણાવ્યું છે.




