દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટમાં 10થી વધુના મોત !!!

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. NIA ટીમોને ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પાંચથી છ વાહનો આગની ઝપેટમાં આવ્યા છે.
ફાયર બ્રિગેડને વિસ્ફોટની માહિતી મળી હતી. દિલ્હી પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે. વિસ્ફોટ થવાનું કારણ શોધવા ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. વિસ્ફોટથી નજીકની સ્ટ્રીટલાઇટ પણ તૂટી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા ઘણા લોકોને LNJP હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી છે. આ કોઈ આતંકી કાવતરું છે કે પછી સીએનજી ગેસ બ્લાસ્ટની ઘટના છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
લાલ કિલ્લાની સામેનો વિસ્તાર ‘હાઇ સિક્યુરિટી ઝોન’ છે. લાલ કિલ્લાની સુરક્ષા માટે તૈનાત દિલ્હી પોલીસ અને અન્ય સશસ્ત્ર દળોના કર્મચારીઓ અહીં તૈનાત છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પણ અહીં આવેલું છે, જ્યાં દરરોજ સેંકડો લોકો મુસાફરી કરે છે. વિસ્ફોટથી ચાંદની ચોકમાં વ્યાપક ગભરાટ ફેલાયો છે. ચાંદની ચોક બજાર માત્ર દિલ્હીવાસીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક મહત્વપૂર્ણ બજાર છે, જ્યાં દેશભરમાંથી લોકો જથ્થાબંધ અને છૂટક માલ ખરીદવા માટે આવે છે.





