રાજ્યમાં સૌથી ઓછું 11.6 ડિગ્રી તાપમાન દાહોદમાં નોંધાયું

ગુજરાતીઓને હવે ઠંડી સહન કરવાનો વારો આવી રહ્યો છે. કેમ કે, ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ઠંડી પડી રહી છે, જેમાં વહેલી સવારે અને રાત્રે તો ખાસ ઠંડીનો ચમકારો અનુભવવા મળે છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી પણ સામે આવી છે. જેમાં આવનારા સમયમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. પવનની દિશાના કારણે સવારે અને રાત્રે ઠંડી તો દિવસમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનામાં સામાન્ય કરતા નીચું તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે નવી આગાહી કરી છે. તે પ્રમાણે, આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ વર્ષે નવેમ્બરમાં સામાન્ય કરતાં ઓછું તાપમાન નોંધાઈ રહ્યુ છે. ગુજરાતમાં શિયાળાનો પ્રારંભ થઈ ચુક્યો છે.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહી શકે છે. ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશાના કારણે ઠંડી અને ગરમીનો મિશ્ર અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડી લાગી રહી છે. જ્યારે દિવસે પવનના કારણે લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
ગુલાબી ઠંડી લાગતા અમદાવાદીઓ થોડા ઠુંઠવાયા છે, કેમ કે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચ્યું હતુ. તો બીજી તરફ ગાંધીનગર અને નલિયામાં પણ 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતુ. રાજ્યમાં સૌથી ઓછું 11.6 ડિગ્રી તાપમાન દાહોદમાં નોંધાયું હતુ.





