શહેરા તાલુકાની લાભી ગ્રામ પંચાયતનો નગરપાલિકામાં સમાવેશ ન કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની લાભી ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા તેમના ગામનો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ ન કરવા માટે શહેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લાભી ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેમનું ગામ મૂળભૂત રીતે ગ્રામીણ વિસ્તાર છે અને અહીંના કાચા-પાકા મકાનો અત્યંત છૂટાછવાયા હોવાથી નગરપાલિકા વિસ્તારમાં જવાથી પાણી, વીજળી અને રસ્તાના વિકાસકાર્યો સમગ્ર ગામને સાંકળી શકશે નહીં, પરિણામે વિકાસ અટકી જશે. વધુમાં, ગામના મોટા ભાગના નાગરિકો નાની-મોટી છૂટક મજૂરી, ઘરકામ અને ખેતીકામ પર નિર્ભર છે. ગામમાં કોઈ મોટા ધંધા કે વ્યવસાયો ન હોવાથી લાભી ગામ આર્થિક રીતે પછાત છે અને ગ્રામજનો નગરપાલિકાના ઊંચા વેરા ભરવા માટે સક્ષમ નથી. ગ્રામજનોએ વિનંતી કરી છે કે તેમના ગામ પર બિનજરૂરી આર્થિક બોજ ન પડે તે માટે લાભી ગામનો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવી માંગ કરી છે.






