ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ !!!

અમદાવાદ શહેરમાં ફરી એકવાર સગીરાની સુરક્ષા પર સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરા પર ડિલિવરી બોયે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. પરિવારે ફરિયાદ નોંધાવતા જ આરોપી ઉજ્જૈન ભાગી ગયો હતો, જેને પરત ફરતા જ ચાંદખેડા પોલીસે દબોચી લીધો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જય પરમાર નામનો આરોપી ડિલિવરી બોય તરીકે કામ કરે છે અને અવારનવાર સગીરાની સોસાયટીમાં ડિલિવરી આપવા માટે આવતો હતો. આ દરમિયાન તેની નજર સગીરા પર પડી હતી.
આરોપી જય પરમારે સગીરાનો સંપર્ક કરવા માટે એક કાગળમાં પોતાનો મોબાઇલ નંબર લખીને આપ્યો હતો. ત્યારબાદ સગીરા અને આરોપી સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા અને વાતચીત કરવા લાગ્યા હતા.
એક દિવસ સગીરા ઘરેથી કોઈક બહાનું કાઢીને આરોપી જયને મળવા માટે જતી રહી હતી. આરોપી સગીરાને રિક્ષામાં બેસાડી મહેમદપુર વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
ઘટના બાદ સગીરાએ હિંમતભેર સમગ્ર હકીકત પોતાના પરિવારજનોને જણાવી હતી. આ સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ તાત્કાલિક ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી જય પરમાર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદની ગંધ આવી જતાં આરોપી જય અમદાવાદ છોડીને ઉજ્જૈન ભાગી ગયો હતો. જોકે, ચાંદખેડા પોલીસે તપાસના ચક્રો ગતિમાન રાખ્યા હતા. જેવો આરોપી ઉજ્જૈનથી પરત ફર્યો, પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





