
પીએમના કાર્યક્રમને લઈને ડેડીયાપાડામાં અફવાઓનું બજાર ગરમ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 11/11/2025 – ખુદ ધારાસભ્ય ચૈતર વસાવા અને ટીડીઓએ સોશિયલ મીડિયા પર ખુલાસો કરવો પડ્યો શનિવારે 15 નવેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડીયાપાડામાં આવી રહ્યા છે જ્યાં પ્રથમ સાગબારા તાલુકામાં આવેલ સમગ્ર આદીવાસી સમાજની કુળદેવી દેવમોગરા માતાના દર્શન બાદ ડેડીયાપાડામાં આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતીની ઉજવણી કરી જનસભા ને સંબોધન કરશે.
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડીયાપાડામાં આવે તે પહેલા સમગ્ર વિસ્તારમાં અફવાઓનું બજાર ગરમ બન્યું છે. જેમાં પહેલી અફાવ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડીયાપાડામાં આવે ત્યારે 3 દિવસ માટે બજારો બંધ રહશે .બીજી અફવા એ છે કે વડાપ્રધાન આવે છે જેના પગલે વેપારીઓ પાસેથી ફંડફળો ઉઘરાવવામાં આવશે.જ્યારે ત્રીજી અફવાએ છે કે વડાપ્રધાન ના આગમન પહેલા ડેડીયાપાડામાં બજારોમાં દબાણો દૂર કરવામાં આવશે જે માટે ડીમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવશે.જેથી રસ્તાઓ પહોળા કરી શકાય.આમ આવી અફવાઓનું બજાર કેટલાક દિવસથી ગરમ બન્યું છે ત્યારે ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોનીએ સોશિયલ મીડિયા ઉપર ખુલાસો કરવો પડ્યો છે કે આ બધી માત્ર અફવાઓ છે વેપારીઓ પાસે ફંડફળો ઉઘરાવવાની કે બજારો બંધ રાખવાના અને બજારોમાં ડીમોલેશન ની પ્રક્રીયા હાથ ધરવામાં આવવાની એ માત્ર અફવાઓ છે જેનાથી વેપારીઓ અને નગરજનોએ દૂર રહેવા અપીલ કરી છે.
વધુમાં ટીડીઓ જગદીશ સોનીએ વેપારીઓ સહિત ડેડીયાપાડાના રહીશોને અપીલ કરી છે કે શનિવાર સુધી નગરમાં સ્વચ્છતા જળવાય તે માટે કચરો કચરા પેટીમાં જ નાખવામાં આવે અને ત્યારબાદ પણ સ્વચ્છતા અભિયાન જળવાય તે માટે પણ સોશિયલ મીડિયા થકી ખાસ અપીલ કરી છે.પીએમના કાર્યક્રમ દરમિયાન વેપારીઓ માટે બેઠક વ્યવસ્થાની પણ સરકાર સાથે વાત ચાલી રહી છે જેથી વેપારીઓ માટે કાર્યક્રમમાં બેસવાની વ્યવસ્થા નું આયોજન થઈ શકે.
આમ આ બધી અફવાઓ વચ્ચે સૌથી મોટી અફવાએ છે કે ડેડીયાપાડા સાગબારા ચીકદા તાલુકાના સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવા 15 મી તારીખે વડાપ્રધાનના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં પ્રવેશ મેળવશે.ત્યારે આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સોશિયલ મીડિયા મારફતે અફવા બાબતે રદિયો આપતા જણાવ્યું હતું કે હું કોઇપણ સંજોગોમાં ભાજપમાં જવાનો નથી.હા મને ભાજપમાં લઇ જવા માટે અનેકો પ્રયાસ કરવામાં આવ્યા છે. પરંતુ હું એક આદિવાસી નો દીકરો છુ ક્યારેય ભાજપ માં પ્રવેશ નહિ કરું.ભાજપ દ્વારા મને ટાર્ગેટ કરી ગમે તે હિસાબે 15 નવેમ્બર ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરાવી ખેસ પહેરાવવાનો છે.જે માટે ડેડીયાપાડા સાગબારા અને ચીકદા તાલુકામાં અફવાઓના બજારમાં અનેકો અફવાઓ ફેલાવી રહ્યા છે. પરંતુ ક્યારેય ભાજપમાં નહિ જોડાઉ તેવું સોશિયલ મીડિયાના માધ્યમ થકી ધારાસભ્ય ચૈતર વસાવાએ ખુલાસા સાથે ભાજપ દ્વારા અફવાઓ ફેલાવાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે.




