વાત્સલ્યમ્ દૈનીક પેપરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ચામુંડા અગ્રોને તંત્રને ફટકારી નોટિસ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદમાં એગ્રો દુકાનો પર તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખેડૂતોને ખાતર સાથે અન્ય બિનજરૂરી વસ્તુઓ ખરીદવા દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
થરાદના એગ્રો અધિકારીએ જણાવ્યું હતું કે તેમને ખેડૂતો તરફથી ટેલિફોનિક ફરિયાદ મળી હતી. ફરિયાદમાં આરોપ હતો કે ખેડૂતોને યુરિયા ખાતર સાથે ઝિંકપ્લસ અથવા અન્ય ઉત્પાદનો ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, ભલે તેમને તેની જરૂર ન હોય.
આ ફરિયાદના અનુસંધાને, અધિકારીએ ચામુંડા એગ્રો સેન્ટર ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જરૂરી દસ્તાવેજોની સમીક્ષા કરી અને કેન્દ્રને નોટિસ ફટકારી. નોટિસમાં ખેડૂતોની ફરિયાદની સત્યતા અંગે બે થી ત્રણ દિવસમાં સ્પષ્ટતા આપવા જણાવાયું છે.
ખાતરનો સ્ટોક હોવા છતાં ખેડૂતોને ન આપવા અંગેના સવાલના જવાબમાં અધિકારીએ ઉમેર્યું હતું કે, જો કોઈ કેન્દ્ર પાસે સ્ટોક હોવા છતાં ખેડૂતોને આપવાનો ઇનકાર કરે તેવી ફરિયાદ મળશે, તો સ્થળ નિરીક્ષણ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ગતરોજની ઘટના મુજબ, એક ખેડૂતે જણાવ્યું હતું કે તેઓ બે થેલી યુરિયા ખાતર ખરીદવા આવ્યા હતા, જેના આશરે ₹600 થતા હતા. જોકે, દુકાનદારે તેમને ખાતરની એક બેગ સાથે ફરજિયાત ₹350ની ઝીંક પ્લસ જેવી અન્ય પ્રોડક્ટ ખરીદવા જણાવ્યું હતું, ભલે તેમને તેની જરૂર ન હોય. ખેડૂતે ઓમકાર બ્રાન્ડની પ્રોડક્ટ માંગી હતી, પરંતુ તેમને બીજી કંપનીની પ્રોડક્ટ આપવામાં આવી હતી, જે તેમને ડુપ્લિકેટ જેવી લાગી હતી.
ખેડૂતે વધુમાં જણાવ્યું કે આ પ્રથા માત્ર તેમની સાથે જ નહીં, પરંતુ અનેક ખેડૂતો સાથે થઈ રહી છે, જ્યાં એક બેગ ખાતરની પાછળ બીજી વસ્તુ જબરદસ્તીથી આપવામાં આવે છે. ખેડૂતોની માંગણી છે કે આવી ખોટી લૂંટ બંધ થવી જોઈએ અને વેપારીઓ દ્વારા કાયદેસર રીતે જેટલું આપવાનું હોય તેટલું જ વેચવામાં આવે, જેથી ખેડૂતોને ખોટી રીતે લૂંટી ન શકાય.




