સાઇખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ, 3નાં મોત, 24 ઘાયલ: મૃત્યુંઆંક વધવાની શક્યતા, મધરાતે બોઇલર બ્લાસ્ટ થતાં આખો વિસ્તાર ધણધણી ઊઠ્યો; આજુબાજુની કંપનીઓને પણ નુકસાન



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા GIDCમાં મોડી રાત્રે બનેલી બોઇલર બ્લાસ્ટની દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ત્રણના મોત, 24 કર્મચારીઓ ઇજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ સાયખા GIDCમાં આવેલી વિશાલ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતાં સર્જાયેલા પ્રચંડ ધડાકાને કારણે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત, 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો
બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે, આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. બ્લાસ્ટની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી મર્યાદિત ન રહેતા, આસપાસની 4થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે.
હજી મૃત્યુઆંક વધવાની શક્યતા
ઘટનાની જાણ થતાં જ ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
ટોલ્વીનની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયો: ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અધિકારી
આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારી દિનેશ ગામીતે જણાવ્યું હતું કે, કંપનીમાં રાત્રિના ટોલ્વીનની કામગીરી ચાલી રહી હતી તે સમયે રાત્રિ બ્લાસ્ટ થયો હતો.જેમાં ત્રણ ટન જેટલું ટોલ્વીન હતું. અમે ઘટના બન્યા બાદ રાત્રિના જ ઘટના સ્થળે પહોંચી હાલમાં તપાસ કરી રહ્યા છે.
કંપની કોઇપણ મંજૂરી વગર ધમધમી રહી છે: સરપંચ
આ દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચ જયવીરસિંહે વહીવટી તંત્ર અને GPCB પર ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચે જણાવ્યું હતું કે, આ જોખમી કંપની કોઈ પણ જાતની મંજૂરી વગર જ ધમધમી રહી હતી, તેમ છતાં GPCB કે વહીવટી તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી.
‘તંત્ર કોઇ કાર્યાવાહી નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું’
સરપંચ જયવીરસિંહે વધુમાં જણાવ્યું કે, GIDCની મોટા ભાગની કંપનીઓમાં નિયમોનું ઉલ્લંઘન કરીને રેસિડેન્સીયલ બાંધકામ કરવામાં આવ્યું છે. સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે, જો આમને આમ ચાલશે અને તંત્ર દ્વારા પગલાં નહીં લેવાય, તો અમે ઉગ્ર આંદોલન કરીશું. હાલમાં તંત્ર દ્વારા બોઇલર બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે, તેમજ સરપંચ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોની પણ તપાસ થવી જરૂરી છે.




