GUJARATPANCHMAHALSHEHERA

કાંકણપુરના ભોઈવાડા ફળિયામાં નર્મદા પાઇપલાઇનના લીકેજથી પીવાના પાણીનો વેડફાટ

ભોઈવાડાના રહીશો રસ્તા પર ભરાયેલા પાણીથી પરેશાન

 

પ્રતિનિધી ગોધરા તા.12

નિલેશભાઈ દરજી શહેરા

 

ગોધરા તાલુકાના કાંકણપુર ગામના ભોઈવાડા ફળિયામાંથી પસાર થતી નર્મદા નદીની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ થવાના કારણે પીવાના પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે, જેનાથી એક તરફ પાણીની અછતની ચિંતા વચ્ચે અમૂલ્ય જળનો જથ્થો વેડફાઈ રહ્યો છે અને બીજી તરફ ફળિયાના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી સ્થાનિકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભોઈવાડા ફળિયાના જાગૃત રહેવાસીઓએ ગામના તલાટી કમ મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી તાત્કાલિક સમારકામની માંગ કરી છે.

 

રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, પાઇપલાઇન લીકેજના કારણે સતત પાણી વહી રહ્યું છે. જેનાથી રસ્તા પર કાયમી ધોરણે પાણી ભરાયેલું રહેવાથી સમગ્ર વિસ્તારમાં અસહ્ય ગંદકી ફેલાઈ છે. ભરાયેલા આ ગંદા અને સ્થિર પાણીને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ માહોલમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરા જેવા પાણીજન્ય રોગોનો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. જે જનઆરોગ્ય માટે મોટો ખતરો છે. વધુમાં, લીકેજને કારણે રસ્તા પર પાણી ભરાયેલું રહેવાથી અવરજવર પણ જોખમી બની ગઈ છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મહિલાઓને રસ્તા પરથી પસાર થવામાં ભારે તકલીફ પડી રહી છે. કાદવ અને લપસણા માર્ગને કારણે ઈજા થવાના અને લપસવાના બનાવોનું જોખમ સતત રહેલું છે. રહેવાસીઓએ તલાટી કમ મંત્રી સમક્ષ વિનંતી કરી છે કે, આ જનહિતની બાબતને ગંભીરતાથી લઈ, તાત્કાલિક અસરથી પંચાયત મારફતે અથવા સંબંધિત વિભાગ દ્વારા નર્મદાની પાઇપલાઇનનું સમારકામ કરાવવામાં આવે. તેમણે જણાવ્યું છે કે, આ લીકેજ વહેલી તકે બંધ થાય તઓ ભોઈવાડા ફળિયાના રહેવાસીઓને ગંદકી, રોગચાળાના ભય અને અવરજવરની અસહ્ય સમસ્યામાંથી મુક્તિ મળી શકે.

Back to top button
error: Content is protected !!