GODHARAGUJARATPANCHMAHAL

ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા કમોસમી વરસાદથી નુકશાન થયેલ તમામ પાકોને સહાય ચૂકવવા કૃષિ મંત્રીને રજુઆત

 

પ્રતિનિધી ગોધરા તા.12

નિલેશભાઈ દરજી શહેરા

 

ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરીને પંચમહાલ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો સંદર્ભે વિગતવાર રજૂઆત કરી હતી. ધારાસભ્યએ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલા ₹10,000 કરોડના કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની સરાહના કરી હતી અને જિલ્લાના ખેડૂતો વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

ભારતીય કિસાન સંઘ, પંચમહાલ દ્વારા ધારાસભ્ય , ગોધરાને સહાય અંગેના પ્રશ્ન બાબતે રજૂઆત કરવામાં આવેલ. જે રજૂઆત અંગે કૃષિ મંત્રીનું ધ્યાન દોર્યું હતું. કિસાન સંઘના જણાવ્યા મુજબ હાલના રાહત પેકેજમાં જિલ્લાના માત્ર ડાંગર અને સોયાબીનના પાકોનો જ સમાવેશ કરાયો છે જ્યારે જિલ્લાના મુખ્ય પાકો જેવા કે દિવેલા, મકાઈ, તમાકુ, અને શાકભાજી સહિતના અન્ય પાકોમાં પણ ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાન થયું છે. આ પાકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું નથી જેના કારણે ખેડૂતો સહાયથી વંચિત રહેવાનો ભય છે.

 

ધારાસભ્ય સી.કે. રાઉલજીએ કૃષિ મંત્રીશ્રીને ભલામણ કરી કે, તમામ નુકસાન પામેલા પાકોને રાહત પેકેજ હેઠળ આવરી લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે પંચમહાલ જિલ્લામાં નુકસાન પામેલા તમામ ખેતીના પાકોનું રોજકામ કરવામાં આવે.આ રજૂઆતને પગલે, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને સંબંધિત વિભાગ તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીને સૂચના આપી હતી કે પંચમહાલના તમામ ખેતીના પાકોની નુકસાનીનું સર્વેક્ષણ કરવામાં આવે અને કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહે.

આ રજુઆત સમયે ધારાસભ્ય ગોધરા સાથે કિસાન મોરચાના પ્રમુખ ખુમાનસિંહ ચોહાણ, એ.પી.એમ.સી ચેરમેન પ્રવિણસિંહ રાઉલજી, પંચમહાલ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિ.ના ચેરમેન ચંદ્રસિંહ રાઉલજી સહિતના પ્રતિનિધિ મંડળે પણ ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!